ક્રિકેટ ટીમને 11 કરોડના ઇનામનો વિપક્ષનો વિરોધ
મુંબઈઃ આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનું ભારતમાં અને ત્યારબાદ મુંબઈમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. મહારાષ્ટ્ર સરકારે પણ વિધાન ભવનમાં મુંબઈના ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનું સ્વાગત કરાયું અને ભારતીય ટીમને મહારાષ્ટ્ર સરકાર તરફથી 11 કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સરકારી તિજોરીમાંથી ભારતીય ક્રિકેટ ટીમને આપવામાં આવેલા ઇનામ પ્રત્યે વિરોધ પક્ષ દ્વારા નારાજગી જાહેર કરવામાં આવી છે.
બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમને પહેલાથી જ 125 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે ત્યારે ફરી તેમને 11 કરોડ રૂપિયા આપવાની શું જરૂર છે તેવો સવાલ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ અંગે જણાવ્યું હતું કે ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યો તેનો બધાને જ આનંદ છે અને તેમને કરોડો રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા જ્યારે વર્લ્ડ કપ જીતે છે ત્યારે તે પોતાની બેગ લઇને ઘરે જાય છે, પરંતુ ભારતમાં આવું નથી.
વડેટ્ટીવારે જણાવ્યું હતું કે ખેલાડીઓ કોઇ ઇનામ કે પૈસા માટે નહીં, પરંતુ દેશ માટે રમે છે. મુંબઈના ચાર ખેલાડીઓને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ જ હતી. પછી અન્ય ખેલાડીઓને ઇનામ આપવાની જરૂર નહોતી. પહેલા જ તેમને ખૂબ પૈસા મળેલા છે. છેલ્લા ચાર મહિનામાં 1,068 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમને મદદ નહીં મળે તો સરકારનો પર્દાફાશ જનતા કરશે, એમ વડેટ્ટીવારે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન પોતાના ખિસ્સામાંથી આ ઇનામની રકમ આપે, એમ પણ વડેટ્ટીવારે જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ ભાજપના પ્રસાદ લાડે ભારતીય ક્રિકેટ ટીમમાં 15 ખેલાડીઓ હોવાથી 15 કરોડ આપવા જોઇએ, એમ જણાવ્યું હતું.