શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ સફળતાપૂર્વક હાથ ધરવા અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી તત્વોને યોગ્ય જવાબ આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા શિંદેએ પહલગામ હુમલાના બે અઠવાડિયા પછી ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કરી હુમલા કરવા બદલ સશસ્ત્ર દળો, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનથી કાર્યરત આતંકવાદી તત્વોને યોગ્ય જવાબ આપ્યો છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા SCALP મિસાઈલ અને HAMMER બોમ્બની ખાસિયત વિશે જાણો છો…
‘રાષ્ટ્રને આપણા સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે અને તેમની પાછળ એકતાથી ઉભા છે,’ એમ અજિત પવારે આ ઓપરેશનમાં સામેલ સૈનિકોની પ્રશંસા કરતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફરી એકવાર દર્શાવે છે કે આજનું ભારત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને સહન કરશે નહીં.
આપણ વાંચો: પહલગામના પીડિત પરિવારોએ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવ્યું, પાકિસ્તાનના સફાયાની માંગ કરી
પવારે કહ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રમાં આક્રોશ હતો અને બદલો લેવાના હુમલાઓએ એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ‘આજ સવારના કાળજીપૂર્વક આયોજનબદ્ધ હુમલાએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત નવ કેમ્પોનો નાશ કરીને આતંકવાદી નેટવર્કને ખોરવી નાખ્યું,’ એમ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
પવારે કહ્યું હતું કે, ‘સીમાપાર લશ્કરી કાર્યવાહી માટે નિર્ણાયક રાજકીય ઇચ્છાશક્તિ મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત આવો સંકલ્પ દર્શાવ્યો છે.’ તેમણે સશસ્ત્ર દળોની પાછળ મજબૂત રીતે ઉભા રહેવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ અભિનંદન આપ્યા.