આમચી મુંબઈ

ફડણવીસે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી; કહ્યું કે સ્ટ્રાઇકના વીડિયો ફૂટેજને કારણે શંકા માટે કોઈ જગ્યા નથી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓપરેશન સિંદૂર બદલ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મિસાઇલ હુમલાના વીડિયો ફૂટેજને કારણે હવે શંકા માટે કોઈ જગ્યા નથી.
22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતાં ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં બહાવલપુરનો જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને લશ્કર-એ-તૈયબાના મુરીદક બેઝનો સમાવેશ થાય છે.

એક વીડિયો સંદેશમાં, ફડણવીસે કહ્યું હતું કે, ‘ચાલો આપણે ભારતીય સશસ્ત્ર દળો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ હુમલા માટે અભિનંદન આપીએ. આ એક એટલો સચોટ હુમલો હતો જેમાં નવ આતંકવાદી કેમ્પ સાઇટ્સનો નાશ થયો છે. આ વખતે હવાઈ હુમલાના વીડિયો ફૂટેજ ઉપલબ્ધ છે, જેનાથી કોઈને પણ આનો પુરાવો માગવાની કોઈ આવશ્યકતા બચતી નથી.

આને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવતાં તેમણે કહ્યું હતું કે આ હુમલો આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો દૃઢ નિશ્ર્ચય દર્શાવે છે. નવા ભારતમાં આપણા લોકો પરનો હુમલો સહન કરવામાં આવશે નહીં. તેનો યોગ્ય રીતે બદલો લેવામાં આવશે અને આજે તે કરીને દેખાડ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ લશ્કરી આક્રમણનું નામ જ મિશનની ગંભીરતા અને મહત્વનું પ્રતીક છે, જે આ હુમલા પાછળની ઊંડી રાષ્ટ્રીય ભાવનાનો સંકેત આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button