ઓપરેશન નન્હેં ફરિશ્તે: આરપીએફે 10 મહિનામાં 900થી વધુ બાળકને રેસ્ક્યૂ કર્યાં
મુંબઈ: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા રેલવે પરિસરમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા અને રેસ્ક્યૂ કરવા માટે ‘ઓપેરેશન નન્હે ફરિશ્તે’ શરૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીના મિશન હેઠળ આરપીએફના જવાનો દ્વારા 655 છોકરા અને 303 છોકરીઓ એમ કુલ 958 બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ ઓપેરેશનમાં રેસક્યૂ કરેલા બાળકને એનજીઓ (સામાજિક સંસ્થા)ની મદદથી તેમના પરિવાર સાથે ભેટ કરાવી હતી, એવી માહિતી અધિકારીએ આપી હતી.
‘ઓપેરેશન નન્હેં ફરિશ્તે’ અંગે અધિકારીએ કહ્યું હતું કે રેલવે સ્ટેશનના પરિસરમાં અનેક વખત બાળકો કોઈ કારણસર તેમના પરિવારને જણાવ્યા વગર આવી જાય છે. આવા બાળકો તેમના પરિવાર સાથે ઝઘડો કરીને કે આર્થિક સમસ્યાને દૂર કરવા માટે મુંબઈ જેવા મહાનગરમાં આવે છે. આવા બાળકો આરપીએફ જવાનોના નજરે આવતા તેમની સાથે વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવી બાળકોને તેમના પરિવાર સાથે ભેટ કરવવામાં આવે છે, એવું તેમણે કહ્યું હતું.
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ ફક્ત મુંબઈ ડિવિઝનમાંથી સૌથી વધારે 175 છોકરાઓ અને 144 છોકરીઓ એમ કુલ 289 બાળકોને રેસક્યૂ કરવામાં આવ્યા હતા તેમ જ ભુસાવળ ડિવિઝનમાંથી 169 છોકરાઓ અને 101 છોકરીઓ એમ કુલ 270 અને પુણેમાંથી 198 છોકરાઓ અને 8 છોકરીઓ એમ કુલ 206 બાળકને રેસક્યૂ કરી એનજીઓ સંસ્થાની મદદથી તેમના પરિવાર અને માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.
ઓપરેશનના આંકડા મુજબ નાગપુર વિભાગમાંથી 76 છોકરા અને 56 છોકરી કુલ 132 બાળકો અને સોલાપુર વિભાગમાંથી 37 છોકરા અને 24 છોકરી એમ કુલ 61 બાળકને રેસક્યૂ કરવામાં આવ્યા હતા.
રેલવેની માહિતી મુજબ સેન્ટ્રલ રેલવે આરપીએફ દ્વારા જાન્યુઆરીના એક મહિનાના સમયગાળામાં 35 છોકરાઓ સાથે 21 છોકરી મળીને કુલ 56 બાળકને રેસક્યૂ કરવામાં આવ્યા હતા, અજેથી 27 જેટલા બાળકોના માત્ર મુંબઈના વિભાગમાંથી રેસક્યું કરાયા હોવાની માહિતી સામે આવી છે.