Operation Lotus: રાજ ઠાકરે ‘મહાગઠબંધન’માં જોડાશે? દિલ્હી જવા રવાના
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું હજુ પણ ઓપરેશન લોટસ ચાલુ છે, જેમાં અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે મરાઠી કદાવર નેતા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ ભાજપમાં જોડાઈ શકે એવી અટકળો બળવત્તર બની છે.
એની વચ્ચે ભાજપના પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા માટે રાજ ઠાકરે દિલ્હી રવાના થયા છે, જ્યારે ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હીમાં છે, જ્યારે મનસેએ દક્ષિણ મુંબઈ અને શિરડી એમ બે સીટ માગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે બે યાદી જાહેર કરી છે, જ્યારે ભાજપની ત્રીજી યાદીની પણ રાહ જોવામાં આવી રહી છે, જેમાંથી મહારાષ્ટ્રની 20 બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં છે. મહારાષ્ટ્રમાં મનસેનું એકનાથ શિંદે-ફડણવીસ જૂથ સાથે ગઠબંધન થાય તો ભવિષ્યમાં પાલિકાની ચૂંટણીમાં પણ ફાયદો થઈ શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી મનસેના રાજકીય ભવિષ્યને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એક તરફ, મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ તેઓ લોકસભાની ચૂંટણી લડશે કે નહીં તે અંગે કંઈ જાહેર કર્યું નથી. તો બીજી તરફ, મનસે મહાગઠબંધનમાં જોડાશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે બંને પક્ષના નેતાઓના નિવેદનો ટાંકવામાં આવી રહ્યા છે.
રાજ ઠાકરે છેલ્લા કેટલાક મહિનાઓથી મહાવિકાસ અઘાડીના સહયોગીઓની ટીકા કરી રહ્યા છે, ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પણ ઘણા આકરા પ્રહારો તેમણે કર્યા છે, તેથી રાજ ઠાકરે ભાજપ (ભારતીય જનતા પાર્ટી), એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) સાથેના મહાગઠબંધનમાં ભાગ લેશે તેવી શક્યતા નકારી કાઢવામાં આવી રહી છે.
જો કે એક તરફ રાજ ઠાકરે ભાજપ અને મોદીની ટીકા કરે છે, તો બીજી તરફ મનસેના નેતાઓ ભાજપ સાથે ગઠબંધન અંગેના પ્રશ્નોના સ્પષ્ટ નકારાત્મક જવાબ આપતા નથી, તેથી રાજ ઠાકરેની મનસે મહાગઠબંધનમાં ચોથા પક્ષ તરીકે ભાગ લેશે તેવી આગાહી કરવામાં આવી છે.
દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં શું મનસે મહાગઠબંધનમાં ભાગ લેશે? સવાલ પૂછાતા એકનાથ શિંદેએ રાજ ઠાકરે અમારી વિચારધારાના છે, તેથી યોગ્ય નિર્ણય લેવામાં આવશે એમ કહીને ચર્ચાને વેગ આપ્યો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય પ્રધાને કોઈક રીતે સંકેત આપ્યો છે કે મનસે મહાગઠબંધનમાં ભાગ લેશે તેવી ચર્ચામાં સત્ય છે.