ઓપરેશન લોટસઃ અશોક ચવ્હાણના રાજીનામા બાદ રાઉત અને ઉદ્ધવે આપ્યું નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે એક પછી એક ઝટકો કૉંગ્રેસના માત્ર રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ લાગી રહ્યા છે. દિગ્ગજ નેતા મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકીએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો ત્યારબાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે કૉંગ્રેસને અલવિદા કહીને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
અશોક ચવ્હાણ હવે ભાજપમાં સામેલ થઇ ગયા છે, એવો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા તેમ જ રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ ગરમાવો આવી ગયો છે. તેમણે કૉંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી પણ રાજીનામુ આપી દીધુ છે. તેમણે ર્ચચગેટ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા પોતે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે કૉંગ્રેસ સાથે સંપૂર્ણપણે સંબંધ તૂટી ગયો છે.
તેમણે પ્રાથમિક સદસ્યતા ઉપરાંત કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું. પોતે વિધાનસભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું હોવાની જાણકારી આપતા પોતાના ભવિષ્યના નિર્ણય વિશે તેમણે કહ્યું હતું કે હજી સુધી મેં કોઇપણ બીજા પક્ષમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી. ભવિષ્યમાં શું કરવું હું એ નક્કી કરીશ.
જોકે, વિપક્ષ અશોક ચવ્હાણના નિર્ણયથી છંછેડાયેલો હોઇ તે પણ સ્વાભાવિક છે. ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણે લીધેલા નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપમાં આત્મવિશ્ર્વાસ નહીં હોવાના કારણે તે વિપક્ષને તોડી રહ્યો છે. અશોક ચવ્હાણ પણ આશ્ર્ચર્ય પમાડે તેવા છે. અત્યાર સુધી બેઠકોની વહેંચણીની બેઠકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા હતા. હવે આજે અચાનક શું થયું તે ખબર નથી પડતી.