ઑપરેશન ઑલ આઉટ 207 સ્થળે કોમ્બિંગ ઑપરેશન: 12 ફરાર આરોપીની ધરપકડ
ત્રણ કલાકમાં 6,901 વાહનો ચકાસાયાં: 1,891 ચાલકો સામે કાર્યવાહી

મુંબઈ: મુંબઈ પોલીસ દ્વારા શહેરમાં ઑપરેશન ઑલ આઉટ હાથ ધરીને 12 જેટલા ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે શહેરમાં 207 સ્થળે કોેમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. તો 113 સ્થળે નાકાબંધી કરીને ત્રણ કલાકમાં 6,901 વાહનોને ચકાસ્યાં હતાં અને 1,891 ચાલકો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂ પીને વાહન ચલાવનારા 70 જણ પકડાયા હતા.
ઑપરેશન ઑલ આઉટમાં પાંચ રિજન, સ્પેશિયલ બ્રાન્ચ/ લૉ એન્ડ ઑર્ડરના એડિશનલ પોલીસ કમિશનર, તમામ ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર, તમામ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર તેમ જ પોલીસ અધિકારીઓ ફરજ પર હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ નાકાબંધીના સ્થળોની મુલાકાત પણ લીધી હતી.
આપણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; મુંબઈ પોલીસ એલર્ટ પર
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઑપરેશન ઑલ આઉટ દરમિયાન 12 ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 56 આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ હતી. ઉપરાંત ગેરકાયદે શસ્ત્રો રાખવા બદલ 16 જણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
46 આરોપી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યાં હતાં. તો પચીસ આરોપી સામેના વૉરન્ટની અમલબજવણી કરી હતી. નશીલો પદાર્થ રાખવા બદલ પંદર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. શહેરમાં 113 સ્થળે નાકાબંધી કરવામાં આવી હતી, જેમાં 1,891 જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી.