રેલવે સ્ટેશનના સ્ટૉલ પરથી ખરીદી કરતી વખતે ખાસ ચેતજો! | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રેલવે સ્ટેશનના સ્ટૉલ પરથી ખરીદી કરતી વખતે ખાસ ચેતજો!

ઑનલાઈન પેમેન્ટનો પાસવર્ડ જોઈને ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરનારી દિલ્હીની ટોળકી સક્રિય

યોગેશ સી. પટેલ

મુંબઈ: મુંબઈના રેલવે સ્ટેશનો પરના સ્ટૉલ પરથી ખરીદી પછી ઑનલાઈન પેમેન્ટ કરતી વખતે મુસાફરોએ ખાસ ચેતવા જેવી ઘટનાઓ હાલમાં જ સામે આવી છે. ટર્મિનસો પર સક્રિય દિલ્હીની ટોળકીના સભ્યો ઑનલાઈન પેમેન્ટ વખતે પાસવર્ડ નોંધી લે છે અને પછી કોઈ ને કોઈ બહાને મોબાઈલ માગીને મોબાઈલધારકની જાણબહાર તેના બૅન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી લે છે. કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ પર આ રીતની છેતરપિંડીનો ભોગ બનનારા સુરતના કર્મચારીએ 20 રૂપિયાની કોલ્ડ ડ્રિન્કની બૉટલ ખરીદ્યા પછી સવા લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ રીતે છેતરપિંડીથી નાણાં ટ્રાન્સફર કરવાના તાજેતરમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી એક કેસ તો નવા જ બનેલા લોકમાન્ય ટિળક ટર્મિનસ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગુજરાતના સુરત શહેરમાં કામ કરતા આદિલ શાહરુદ્દીને (27) નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: આર.ટી.ઓના નામે બોગસ સોફ્ટવેર ઇન્સટોલ કરાવી આ રીતે બેંક ખાતામાંથી લાખો ઉપાડી લેવાયા

સુરતથી આવેલા આદિલને ઉત્તર પ્રદેશના કુશીનગર જવાનું હોવાથી તે એલટીટીથી ટ્રેન પકડવાનો હતો. તેણે કુર્લા ટર્મિનસ પરના સ્ટૉલ પરથી 20 રૂપિયાની કોલ્ડ ડ્રિન્કની બૉટલ ખરીદી હતી અને યુપીઆઈથી રૂપિયા ચૂકવ્યા હતા. આદિલ તેના મોબાઈલ ફોનમાં યુપીઆઈનો ચાર આંકડાનો પાસવર્ડ ટાઈપ કરતો હતો ત્યારે ટોળકીના એક સભ્યએ ચૂપચાપ તેની પાછળ ઊભા રહી પાસવર્ડ નોંધી લીધો હતો. એ પાસવર્ડ આરોપીએ તેના બીજા સાથીને આપી દીધો હતો.

આદિલ ટ્રેનમાં બેઠો ત્યારે આરોપીના સાથીએ મિત્રતા કરી આદિલ સાથે વાતચીત શરૂ કરી હતી. પહેલાં અહીંતહીંની વાતો કરીને વિશ્ર્વાસ સંપાદન કર્યા પછી આરોપીના સાથીએ તેના મોબાઈલ ફોનનું રિચાર્જ પતી ગયું હોવાનું કહ્યું હતું. વતનમાં ઘરે કૉલ કરવાને બહાને આરોપીના સાથી આદિલનો મોબાઈલ ફોન માગ્યો હતો.

આ પણ વાંચો: ટિકિટ કૌભાંડ: વેઈટરના ખાતામાંથી મળ્યા લાખો રુપિયા, રેલ કર્મીઓની સંડોવણીની શંકા!

હિચકિચાટ પછી આદિલે તેનો મોબાઈલ આરોપીના સાથીને આપ્યો હતો. કૉલ કરવાને બહાને સીટ પરથી ઊભા થઈ આરોપીના સાથીએ પાસવર્ડની મદદથી આદિલના બૅન્ક ખાતામાંથી 1.15 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. રૂપિયા ટ્રાન્સફરના મેસેજ પણ તેણે ડિલીટ કરી નાખ્યા હતા, જેથી આદિલને નાણાં ટ્રાન્સફરની તાત્કાલિક જાણ થઈ નહોતી.

આ રીતની ઘટના બાન્દ્રા ટર્મિનસ પર એક યુવાન સાથે થઈ હતી. તેના બૅન્ક ખાતામાંથી 46 હજાર રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા. પોલીસ આ ટોળકીની તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં આ ટોળકી દિલ્હીની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઑનલાઈન પેમેન્ટ કરતી વખતે પાસવર્ડ કોઈ જોઈ ન લે તે રીતે ટાઈપ કરવાની ભલામણ પોલીસે આપી હતી. આ રીતે નાણાં ચૂકવતી વખતે આસપાસની વ્યક્તિ પર ખાસ નજર રાખવાનું સૂચન પણ પોલીસ દ્વારા કરાયું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button