કાંદાના ભાવ નિયંત્રણમાં, ગૃહિણીઓને રાહત

નવી મુંબઈઃ ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે કાંદાનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી ગયા વર્ષ દરમિયાન કાંદાનો ભાવ 100 સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ આ વર્ષે નવા વર્ષની શરૂઆતમાં કાંદાની નવી આવકને કારણે ભાવ નિયંત્રણમાં આવ્યા છે.
હાલમાં બજારમાં નવી સિઝનની ડુંગળી આવી રહી છે. આ ડુંગળીની સરેરાશ ૧૦૦ ટ્રક દરરોજ બજારમાં આવી રહી છે, પરંતુ આ વર્તમાન સિઝનની કાંદા ભીના છે, તેથી તે સંગ્રહ કરવા યોગ્ય નથી જેના કારણે ડુંગળીના ભાવ પણ નિયંત્રણમાં આવી ગયા છે.
હાલમાં મહારાષ્ટ્રના નાસિક, પુણે, જુન્નર, માલેગાંવ અને ઓતુરથી કાંદાની દરરોજ ૧૦૦ ગાડીઓ આવતી હોવાથી બજારમાં કાંદાની માંગ સંતોષાઈ રહી છે. આ કાંદા જથ્થાબંધ બજારમાં ૧૦થી ૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. અત્યાર સુધીમાં જથ્થાબંધ બજારમાં કાંદાના ભાવ ૩૦થી ૪૦ રૂપિયા સુધીના હતા.
જથ્થાબંધ બજારમાં કાંદાના ભાવ ઘટવાને કારણે છૂટક બજારમાં પણ કાંદાના ભાવ ૩૦ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. હવે આ કાંદા માર્ચ સુધી બજારમાં આવતી રહેશે, તેથી વેપારીઓને આશા છે કે ત્યાં સુધી કાંદાના ભાવ નિયંત્રણમાં રહેશે. જોકે, નવા સંગ્રહિત કાંદા માર્ચ પછી આવવાનું શરૂ થશે, તેથી હજુ પણ ભાવમાં ફેરફારની સંભાવના છે, એમ વેપારીએ જણાવ્યું હતું.