મધ્ય રેલવેમાં વધુ એક ‘નવા’ રેલવે સ્ટેશનનું નિર્માણ કરાશે, સ્થાનિકોને થશે ફાયદો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના બે મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી બદલાપુર અને અંબરનાથ સ્ટેશનની વચ્ચે ચિખલોલી નામનું નવું રેલવે સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વર્કઓર્ડર પણ જાહેર કરવામાં આવ્યા છે. એક ખાનગી કંપનીને આ સ્ટેશનના બાંધકામ માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવતા કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવવાનું છે. આ કામકાજને કરવા માટે મુંબઈ રેલવે ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRVC) તરફથી મંજૂરી પત્ર પણ મળી ગયું છે.
અંબરનાથ અને બદલાપુર આ બંને શહેરની લોકસંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેને લીધે આ શહેરના રેલવે સ્ટેશન પર પણ ભીડ નિર્માણ થઈ છે. સ્ટેશન પર ભારે ભીડને લીધે સ્થાનિક નાગરિકોએ અંબરનાથ-બદલાપુર વચ્ચે ચિખલોલી રેલવે સ્ટેશનની માગણી કરી હતી, જેને હવે નિર્માણ કરવાની મંજૂર મળી છે.
ચિખલોલી સ્ટેશન નિર્માણ પ્રસ્તાવને મંજૂરી મેળવવા માટે અનેક મુશ્કેલીઓ આવી હતી અને સ્ટેશનના નિર્માણ માટે જમીન શોધવામાં પણ સમસ્યા નિર્માણ થઈ હતી. જોકે આ બધી સમસ્યા દૂર થતાં ચિખલોલી સ્ટેશનનું બાંધકામ ઝડપથી પૂરું કરવામાં આવશે.
છેલ્લા અનેક દસકાથી ચિખલોલી રેલવે સ્ટેશનના નિર્માણનો મુદ્દો ચાલી રહ્યો હતો. આ સ્ટેશનના નિર્માણથી અંબરનાથ અને બદલાપુર નજીકના રહેવાસીઓનો લોકલ ટ્રેનની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે, જ્યારે તેમને અંબરનાથ કાં તો બદલાપુર સુધી લાંબા થવાની નોબત આવશે નહીં. સ્ટેશનનું કામ પૂર્ણ થતાં અંબરનાથ અને બદલાપુર સ્ટેશન પર થતી પ્રવાસીઓની ભીડમાં પણ ઘટાડો થશે.
ઑક્ટોબર, 2023માં આ સ્ટેશન પર સિડી, પુલ અને ગ્રાઉન્ડ માટે 81.93 કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું અને હવે પ્લેટફોર્મ, શેડ, પિલર, ઈલેક્ટ્રિકલ કંડક્ટર અને અન્ય કામકાજ માટે 73.928 કરોડ રૂપિયાનું ટેન્ડર રેલવેએ જાહેર કરવાથી વધુ કામકાજ પાર પાડી શકાશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.