કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટીને કરી શકે છે ‘રામરામ’

મુંબઈ: ત્રણ દિગ્ગજ નેતાઓએ મુંબઈ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યાં બાદ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને હજુ એક ફટકો લાગે તેવી શક્યતા છે. મિલિંદ દેવરાએ શિવસેનામાં જોડાઈ રાજ્યસભાની બેઠક જીતી છે. બાબા સિદ્દિકી અજિત પવારની એનસીપીમાં જોડાયા છે.
પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને રાજ્યસભાના સાંસદ બન્યા છે. કોંગ્રેસ આ આંચકામાંથી બહાર આવી રહી છે ત્યારે એવી ચર્ચા છે કે પાર્ટીના પૂર્વ સાંસદ સંજય નિરુપમ પણ પાર્ટી છોડીને શિવસેના અથવા ભાજપમાં જોડાઈ શકે છે.
મહાવિકાસ અઘાડી (એમવીએ)ની બેઠક ફાળવણીમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારનો ઉકેલ આવ્યો નથી, જે મતવિસ્તારોને કારણે મહાવિકાસ આઘાડીની સીટ ફાળવણી અટકી પડી છે, તે મુંબઈ નોર્થ વેસ્ટ સીટ છે.
શિવસેનાના ઠાકરે જૂથે ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તાર માટે સંયોજકની નિમણૂક કરી છે. જેના કારણે આ સીટ ઠાકરેના હાથમાં જાય તેવી શક્યતા છે. હાલના સાંસદો ગજાનન કીર્તિકર અને અમોલ કીર્તિકર આ મતવિસ્તારમાં ઉમેદવાર બની શકે છે. રામદાસ કદમની પણ આ મતવિસ્તાર પર નજર હતી. આ મતવિસ્તાર કોંગ્રેસને ન મળે તો સંજય નિરુપમ અલગ નિર્ણય લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય નિરુપમ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ચર્ચામાં છે.