હે વિધ્નહર્તા, આ ગરીબોના વિઘ્નો કેમ દૂર નથી કરતા? લાલબાગચા રાજા સામેના રસ્તા પર સૂતેલી બાળકી કચડાઈ, ભાઈ ગંભીર

મુંબઈઃ આજે આખું મુંબઈ ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે સજજ થઈ રહ્યું છે. લગભગ આખા શહેરમાં ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ રહી છે. ગણેશ ભગવાને દસ દિવસ ભક્તોના ઘરે વાસ કરી ભક્તોને આર્શીવાદ આપ્યા અને હવે પરત ફરી રહ્યા છે ત્યારે આજના દિવસે મુંબઈના જ નહીં દેશ-વિદેશમાં પ્રસિદ્ધ લાલબાગચા રાજાના પ્રવેશદ્વારની સામે જ સૂતેલી એક બે વર્ષની બાળકીને અજાણ્યો વાહનચાહક કચડીને ફરાર થઈ ગયો હતો. આ બાળકીનો 11 વર્ષનો ભાઈ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર લાલબાગ રાજાના મુખ્ય પ્રવેશદ્વાર સામેના રસ્તા પર એક અજાણ્યા વાહને બે બાળકોને કચડી નાખ્યા હોવાની કરૂણ ઘટના ઘટી છે. આ અકસ્માતમાં 2 વર્ષની ચંદ્રા વાજંદર નામની બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. જ્યારે તેનો ભાઈ 11 વર્ષનો શૈલુ વાજંદર ગંભીર રીતે ઘાયલ થયો અને તે પરેલની KEM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના શનિવારે વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ બની હતી. બંને બાળકો રસ્તાની બાજુમાં સૂતા હતા. તે સમયે, એક અજાણ્યો વ્યક્તિ તેમના પર દોડી ગયો અને કોઈ મદદ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ કેસમાં કાલાચોકી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. આખું મુંબઈ બાપ્પાની વિદાયની તૈયારીમાં છે ત્યારે આ દુઃખદાયી ઘટના ઘટી છે.
આ પહેલીવાર નથી કે રસ્તે સૂતેલા લોકો પર વાહન ચલાવી તેમને મોતન ઘાટ ઉતારી કોઈ છટકી ગયું હોય ત્યારે સવાલ એ થાય કે આવા ગરીબ, નોધારા લોકોની વ્હારે બાપ્પા કેમ નહીં આવતા હોય.