વસઈમાં ગેસ ગળતર એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈના દિવાનમાન વિસ્તારમાં મંગળવારે સાંજે ઝેરી ગેસ લીકેજ થયો હતો. આ ઘટનામાં કુલ 19 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક ગુજરાતીનું મોત થયું હતું.
વસઈ વેસ્ટમાં દિવાનમાન વિસ્તાર છે. આ વિસ્તારમાં મ્યુનિસિપલ પાણીની ટાંકી છે. આ પાણીની ટાંકીમાંથી આસપાસના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી આ ટાંકીનો વાલ્વ ક્ષતિગ્રસ્ત હોવાથી પાણી લીકેજ થઈ રહ્યું છે. આ પાણી રસ્તા પર જમા થઈ રહ્યું હતું, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી. તેથી, નાગરિકોની ફરિયાદોને કારણે, મ્યુનિસિપલ કર્મચારીઓએ મંગળવારે પાણીની ટાંકીના વાલ્વનું રિપેરિંગ શરૂ કર્યું હતું. જ્યાં વાલ્વનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં. 100 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી ક્લોરિન ગેસ ટાંકી પાછળના ભાગમાં બેન્ચ પર રાખવામાં આવી હતી.
વાલ્વ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે, એક કર્મચારીએ ટાંકીને ટક્કર મારી અને ટાંકી જમીન પર પડી ગઈ. ટાંકી પડતાં જ તેમાંથી ક્લોરિન ગેસ લીક થવા લાગ્યો અને ગેસ રસ્તા પર અને રહેણાંક સંકુલમાં ફેલાવા લાગ્યો. આ કારણે, વિસ્તારના રહેવાસીઓને ઉલટીઓ થવા લાગી અને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. કેટલાક લોકો ગભરાઈને દોડવા લાગ્યા.
શરૂઆતમાં, આ ઘટનામાં કુલ 19 લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મ્યુનિસિપલ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંથી દેવ કાંતીલાલ પારડીવાલા (59)નું મૃત્યુ થયું છે. જ્યારે બીજા અગિયાર ગુજરાતીઓને વસઈની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, એમ ઝોન-2 ના ડેપ્યુટી પોલીસ કમિશનર પૂર્ણિમા ચૌગુલે-શ્રૃંગીએ જણાવ્યું હતું.
સિલિન્ડરને ગટરમાં નાખીને નિકાલ
ઘટના બનતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરી હતી. ફાયર વિભાગના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરોએ વિસ્તારમાંથી ક્લોરિન સિલિન્ડર દૂર કરી દીધો છે. જોકે, ગેસ ઝેરી હોવાથી, અસરગ્રસ્ત વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને નાગરિકોને વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ક્લોરિન ગેસની ટાંકીને પણ વિસ્તારની એક ગટરમાં નાખીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પવનની ગતિને કારણે બે ઇમારતો ખાલી કરાવાઈ
દિવાનમાન વિસ્તારમાં ગેસ લીકેજને કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ હતું. કોઈ જાનહાનિ ન થાય તે માટે, મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પાણીની ટાંકીની સામેની બે ઇમારતોને તત્કાળ ખાલી કરાવી નાખી હતી.
કોણ કઈ હોસ્પિટલમાં?
મળતી માહિતી અનુસાર પાલિકાના કર્મચારીઓ સનસિટી પ્રભારી કેન્દ્ર અધિકારી વિજય રાણે, ડ્રાઈવર પ્રમોદ પાટીલ, ફાયરમેન કલ્પેશ પાટીલ, ફાયરમેન કુણાલ પાટીલને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ડ્રાઈવર સચિન મોરેને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
આ ઉપરાંત ચૌદ નાગરિકોને ગળતરની અસર થઈ હતી, જેમાંથી કાંતીલાલ નગીનદાસ મિસ્ત્રી, પુષ્પા કાંતીલાલ મિસ્ત્રી, મનીષા દેવ પારડીવાલાને ડિવાઈન હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યારે નાઝનીન ડોંગારિયા, મુમતાઝ ડોંગારિયા અને ઈકબાલ ડોંગારિયાને ડિવાઈન હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
દેવ કાંતિલાલ પારડીવાલાનું ડી. એમ. પેટીટ હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું જ્યારે અનિષ સોલંકી, દેવાંગ શાહ, અનિલ પાટીલ, યોગેશ પાટીલ અને શાંતા સોલંકીને ડીએમ પેટીટ હોસ્પિટલમાંથી કાર્ડિનલ ગ્રેસિયસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંજલી રાઠોડ અને પ્રિયા રાઠોડને ડી. એમ. પેટીટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમની હાલત સારી હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: હવે ફ્લાયઓવરની જવાબદારી મહાપાલિકાના માથે સાત દિવસમાં એસએસઆરડીસી પાસેથી હસ્તાંતરણ



