દોઢ દિવસના બાપ્પાની ધામધૂમથી વિદાય
આવજો…:
બુધવારે દોઢ દિવસના ગણપતિનું વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. (તસવીર: અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘ગણપતિબાપ્પા મોર્યા, પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ગણેશભક્તોએ દોઢ દિવસના ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. ગણેશવિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મોડી રાત સુધી ભક્તો વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા.
મંગળવારે સૌના લાડલા ગણપતિબાપ્પાનું આગમન થયું હતું અને બુધવારે દોઢ દિવસના ગણપતિબાપ્પાને વિદાય આપવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકા તરફથી મોટા પાયા પર વિસર્જન માટે તૈયારી કરવામાં આવી હતી. કૃત્રિમ તળાવ અને સાર્વજનિક નૈસર્ગિક વિસર્જન સ્થળ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સ્વયંમસેવી સંસ્થાની સાથે જ કોઈ અનુચિત ઘટના ઘટે નહીં
તે માટે મુંબઈ પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો.
પાલિકાએ આપેલા આંકડા મુજબ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સાર્વજનિક ગણેશમંડળના ચાર, ઘરના ૭૧૩ એમ કુલ ૭૧૭ ગણેશમૂર્તિના વિસર્જન થયા હતા. તો સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈના કુદરતી અને કૃત્રિમ વિસર્જન સ્થળો પર સાર્વજનિક મંડળોના ૩૦ તો ઘરના ૬,૯૩૦ એમ કુલ ૬,૯૬૦ ગણેશમૂર્તિના વિસર્જન થયા હતા, જેમાં કૃત્રિમ વિસર્જન સ્થળ પર સાર્વજનિક મંડળના ૧૪, ઘરના ૨,૮૧૯ એમ કુલ ૨,૮૩૩ મૂર્તિનું વિર્સજન થયું હતું.
‘સ્ટિંગ રે’નું જોખમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશમૂર્તિ વિસર્જન દરમિયાન મુંબઈ દરિયા કિનારા પર ગણેશમૂર્તિના વિસર્જન માટે જનારા ભક્તોના માથે ‘સ્ટિંગ રે’ ‘જેલીફીશ’ના ડંખ મારવાનું જોખમ નિમાર્ણ થયું છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ ભક્તો માટે તેનાથી બચવા માટે ઉપાયયોજના જાહેર કરી છે.
મુંબઈની કિનારપટ્ટી એ એક સંરક્ષિત કિનારપટ્ટી હોઈ આ કિનારપટ્ટી પર પાણીનું વહેણ ધીમું હોય છે. ઑગસ્ટથી ઑક્ટોબરના સમયગાળામાં મુંબઈના દરિયાકિનારા પર મોટા પ્રમાણમાં બ્લૂ બટન જેલીફીશ’, ‘સ્ટિંગ રે’ જેવા જળચરો કિનારા પર મોટી સંખ્યામાં ઈંડા મૂકવા માટે આવતા હોય છે. તેથી ગણેશમૂર્તિના વિસર્જન દરમિયાન ‘બ્લૂ બટન જેલીફીશ’, ‘સ્ટિંગ રે’ પ્રજાતીના માછલીઓના ડંખથી બચવા તેમ જ શું ધ્યાન રાખવું તે માટે પાલિકાએ સૂચના બહાર પાડી છે.
ગણેશવિસર્જન એ મુંબઈ મહાનગરપાલિકા તરફથી નીમવામાં આવેલા લાઈફગાર્ડ અથવા યંત્રણા
મારફત કરવી, ગણેશવિર્સજન દરમિયાન ગણેશભક્તોએ ખુલ્લા શરીરે દરિયામાં પ્રવેશ કરવો નહીં. પગમાં માછલી ડંખ મારે નહીં તે માટે ગમબૂટનો ઉપયોગ કરવો. નાગરિકોમાં જનજાગૃતિ લાવવા માટે પાલિકાએ ચોપાટીઓ પર લગાડવામાં આવેલા નોટિસ બોર્ડ પરની સૂચનાનું તેમ જ કિનારા પર ઍનાઉન્સર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનું યોગ્ય રીતે પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. નાના બાળકોને દરિયા કિનારા પર જવા દેવું નહીં.
જો કોઈ ભક્તને પગમાં જેલીફિલ ડંખ મારે તો તે ચોપાટી પરિસરમાં રહેલા ઊભા કરવામાં આવેલા વૈદ્યકીય કક્ષમાં તુરંત પહોંચી જવું. તેમ જ ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. ‘સ્ટીંગ રે’ ડંક મારે તો તે જગ્યા પર બળવા માંડે છે. તો ‘જેલીફિશ’ના ડંખથી મોટા પ્રમાણમાં ખંજવાળ આવે છે. ‘સ્ટીંગ રે’ અથવા ‘જેલીફિશ’ ડંખ મારે તોે ગભરાઈ નહીં જતા તાત્કાલિક નજીકના પ્રથમોપચાર કેન્દ્રમાં અથવા હૉસ્પિટલમાં પહોંચી જવું. જખમને ચોળવો નહીં અને ડંખ મારેલી જગ્યાને સ્વચ્છ પાણીથી ધોઈ કાઢવી અને ત્યાં બરફ ધસવો.
૨૯ નવા કૃત્રિમ તળાવ સાથે કુલ સંખ્યા ૧૯૧
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ચોપાટી સહિત તળાવોમાં પ્રદૂષણ થાય નહીં માટે પર્યાવરણપૂરક ગણેશમૂર્તિના વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવે છે. આ વર્ષે મુંબઈમાં ૧૯૧ કૃત્રિમ તળાવ ઊભા કરવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૯ નવા કૃત્રિમ તળાવ ઊભા કરાયા છે.
મુંબઈમાં ગણેશવિસર્જન માટે ૭૩ વિસર્જન સ્થળ હોઈ ૨૦૨૦માં ૧૫૨ કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો ૨૦૨૧માં ૧૭૩ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં ગણેશોત્સવમાં ૧૬૨ કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ ૧૯૧ કૃત્રિણ તળાવનું નિર્માણ કર્યું છે. આ વર્ષે પાલિકાએ પહેલી વખત ‘એ’ વોર્ડમાં ત્રણ નવા કૃત્રિમ તળાવ ઊભા કર્યા છે. તો ઘાટકોપરમાં પણ આ વખતે છ નવા કૃત્રિમ તળાવ બનાવ્યા છે. ડી વોર્ડમાં સાત, ઈ વોર્ડમાં ૧૦, એફ-દક્ષિણ વોર્ડમાં ચાર, એલ વોર્ડમાં ૩, આર-ઉત્તર વોર્ડમાં બે, એસ વોર્ડમાં નવ એમ કૃત્રિમ તળાવની સંખ્યા વધારવામાં આવી છે. તો જી-દક્ષિણ વોર્ડમાં પાંચ, એચ-પૂર્વ વોર્ડમાં નવ, કે-પશ્ર્ચિમ વોર્ડમાં ત્રણ, પી-દક્ષિણ વોર્ડમાં એક એમ કુલ ૧૮ કૃત્રિમ તળાવની સંખ્યા ઓછી થઈ છે.
ગયા વર્ષે ૨૦૨૨માં ગણેશોત્સવ દરમિયાન કુલ ૧,૯૩,૦૬૨ મૂર્તિમાંથી ૬૬,૧૨૮ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું. તો ૨૦૨૧માં વિર્સજન થયેલી કુલ ૧,૬૪,૭૬૧ ગણેશમૂર્તિમાંથી ૭૯,૧૨૯ ગણેશમૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં થયું હતું.
ભક્તોના ફાસ્ટ ટેગમાંથી કપાયેલા પૈસા પાછા મળશે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા ૧૬મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી ગણેશોત્સવ માટે કોંકણ જતા ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી હતી. જોકે, ટોલ બૂથ પર લગાવવામાં આવેલા ફાસ્ટ ટેગને કારણે પોતાની જાતે જ ટોલ નાકા પર ટોલની રકમ કપાઈ જાય છે. હવે આવા વાહનચાલકોએ એમના પૈસા પાછા અપાવવા માટે પરિવહન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પહેલાંથી જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગણેશોત્સવ દરમિયાન કોંકણ જનારા વાહનચાલકોને ટોલ ટેક્સમાંથી માફી આપવામાં આવશે. પરંતુ કાર પર લગાવવામાં આવેલા ફાસ્ટ ટેગને કારણે ટોલ પ્લાઝા પરથી પસાર
થતી વખતે જાતે જ રકમ કપાઈ જાય છે. આને કારણે વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ બાબતે પરિવહન વિભાગ દ્વારા ફાસ્ટટેગમાંથી કાપવામાં આવેલી રકમ વાહનચાલકોને પાછી આપવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. ટોલ બૂથ પર ઘણા ગણેશભક્તોના વાહનો પર લગાવવામાં આવેલા ફાસ્ટેગમાંથી રકમ કપાઈ રહી છે. પાસ હોવા છતાં પણ પૈસા કપાઈ રહ્યા હોવાનું વાહનચાલકોનું કહેવું છે.
આ અંગે ફરિયાદો મળી રહી છે અને તે અંગેની માહિતી વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર બાંધકામ વિભાગને આપવામાં આવશે. પત્રવ્યવહારની મદદથી મોકલવામાં આવશે.
વોટ્સ ઍપ ચૅટબૉટ પર શોધો ગણેશમંડળ અને વિસર્જન સ્થળ
વિસર્જન માટે ઍડવાન્સમાંં સ્થળ અને સમયનું રજિસ્ટ્રેશન કરાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશભક્તોને તેમના પસંદગીના વિર્સજન સ્થળની સાથે જ ગણેશમૂર્તિના વિસર્જન દરમિયાન જુદા જુદા બીચ પર થતા વિર્સજન સ્થળોએ લાંબી લાઈનમાં ઊભા રહેવાથી અને ધક્કામુક્કીથી બચવું હોય તો ભક્તો માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે, જે હેઠળ બીએમસીની વેબસાઈટ પરથી નજીકનું પસંદગીનું વિસર્જન સ્થળ અને સમય બુક કરી શકાશે.
ગણેશોત્સવના સમયગાળામાં મુંબઈ મહાનગરપાલિકા તરફથી જુદી જુદી સુવિધા ગણેશભક્તોને ઉપલબ્ધ કરી આપવામાં આવી રહી છે, જેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. મુંબઈના નાગરિકો અને ખાસ કરીને પર્યટકોને તેમના નજીકના ગણેશ મંડળ તેમ જ ગણેશભક્તોને પણ તેમના નજીકના મૂર્તિ વિસર્જન સ્થળ શોધવાની સુવિધા વૉટસ ઍપ ચૅટબૉટ અને મુંબઈ મહાનગરપાલિકાના વેબસાઈટ આ બંને માધ્યમથી ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ શ્રી ગણેશમૂર્તિના વિસર્જન માટે સુધરાઈની વેબસાઈટ પરથી પોતાની પસંદગીનું સ્થળ અને સમય પણ નોંધવાની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.
મુંબઈમાં ઘરના અને સાર્વજનિક ગણેશમંડળની ગણેશમૂર્તિની સંખ્યા વધુ હોય છે. ગણેશોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં પર્યટકો મુંબઈ આવતા હોય છે. તેમ જ મૂર્તિના વિસર્જન માટે પણ ભક્તોની મોટી ભીડ હોય છે. આ તમામ લોકોને મદદરૂપ થઈ શકે તે માટે ચૅટબૉટ અને વેબસાઈટ આ બંને ઑનલાઈન સુવિધા અતિશય મદદરૂપ થઈ રહેવાની છે.
કેવી રીતે ઘરબેઠા મૂર્તિના વિસર્જનના સમયનો સ્લોટ બુક કરશો?
ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જન માટે વિસર્જન સ્થળે એક જ સમયે ભીડ થઈને ધક્કામુક્કી થાય નહીં તે માટે પાલિકાએ https://portal.mcgm.gov.in પોતાની વેબસાઈટ પર મૂર્તિના વિસર્જનના સમયનું રજિસ્ટ્રેશન કરવા માટે ઑનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા વિકસાવી છે. ભક્તો વેબસાઈટ પરથી ‘નાગરિકો માટે’ આ ઑપ્શનમાં જઈને ‘શ્રી ગણેશમૂર્તિ વિસર્જનનો સ્લોટ બુકીંગ’ આ પર્યાય પસંદ કરવાનો રહેશે. ગણપતિ વિસર્જનનો સ્લોટ બુકિંગ અથવા https://mumgis.mcgm,gov.in/bapp_visarjan/ આ લિંકનો ઉપયોગ કરવો. આ રીતે મૂર્તિ વિસર્જનનું સ્થળ અને સમય રજિસ્ટર્ડ કરવાથી ભક્તોને ધક્કામુક્કીથી રાહત મળશે. મુંબઈ મહાનગરપાલિકાની
MyBMCWhatsAPP Chatbot આ મોબાઈલ આધારિત સેવા ૮૯૯૯-૨૨-૮૯૯૯ આ નંબર પર ઉપલબ્ધ છે. તેના દ્વારા નાગરિકોને અલગ અલગ નાગરિક સેવા-સુવિધા કેવી રીતે મેળવવી તેનું માર્ગદર્શન કરવામાં આવે છે. આ ચૅટબૉટમાં આ વખતે પોતાના નજીકના ગણેશમંડળ અને મૂર્તિ વિસર્જન સ્થળ શોધવાનો પર્યાય ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો છે. તે માટે ચૅટબૉટ નંબર પર જઈને પર્યટક (Tourist) એ પર્યાય પસંદ કરવો. ત્યારબાદ મુખ્ય સૂચી (list ) આ પર્યાય પર ક્લીક કરવું, ત્યારબાદ મારા નજીકની સુવિધામાં (Amenities near me) ક્લિક કરતા ગણેશમંડળ તેમજ ગણપતિ વિસર્જન એમ બે પર્યાય જોવા મળે છે. તો મુંબઈ મહાનગરપાલિકાની https://portal.mcgm.gov.in પર શ્રી ગણેશોત્સવને લગતી અલગ અલગ ઑનલાઈન સેવા ગણેશભક્ત, નાગરિક અને પર્યટકોને ઉપલબ્ધ રહેશે.