થાણેમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાધો: પુત્ર-પુત્રવધૂ પર લગાવ્યો સતામણીનો આરોપ
થાણે: થાણેમાં 61 વર્ષની વૃદ્ધાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. વૃદ્ધાએ મૃત્યુ પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા અપાતા માનસિક ત્રાસને કારણે પોતે આત્મહત્યા કરી રહી હોવાનું જણાવ્યું હતું. નૌપાડા પોલીસે આ પ્રકરણે વૃદ્ધાનાં પુત્ર-પુત્રવધૂ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
વૃદ્ધાની ઓળખ સુષમા વિલાસ ખૈરનાર તરીકે થઇ હતી, જે તેના પુત્ર રાહુલ અને પુત્રવધૂ ગૌરી સાથે રહેતી હતી. સુષમાએ 2 માર્ચે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી 12 પાનાંની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. વૃદ્ધાની પુત્રીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે નૌપાડા પોલીસે રાહુલ અને ગૌરી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
રાહુલ અને ગૌરીનાં લગ્ન 2014માં થયાં હતાં અને સુષમા તેમની સાથે રહેતી હતી. સ્યુસાઇડ નોટ અને ફરિયાદ મુજબ સુષમા અને આરોપીઓના સંબંધ વણસેલા હતા. તેમણે અન્ય વસ્તુ ઉપરાંત સુષમાને ઘરમાં મુક્તપણે ફરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એક દિવસ તેમણે સુષમાને ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે કહ્યું હતું. સુષમાએ આની જાણ તેની પુત્રીને કરી હતી. 2 માર્ચે સુષમાએ ફરી તેની પુત્રીને ફોન કરીને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવવા વિનંતી કરી હતી. જોકે બાદમાં તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો. (પીટીઆઇ)