ઓલા, ઉબર ડ્રાઇવરની ‘હડતાળ’માં ભંગાણ: પરિવહન પ્રધાનની મધ્યસ્થી બાદ કેટલાક સંગઠનો ખસ્યા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આર્થિક પાટનગર મુંબઈ, પુણે, થાણે, નવી મુંબઈ, નાશિક, નાગપુર સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં ગુરૂવારથી ઓલા, ઉબર અને રેપિડો બાઇક ટેક્સી ડ્રાઇવરો, તેમની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર છે.
આ હડતાળને કારણે છેલ્લા બે દિવસથી મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ હડતાળનો સૌથી મોટો ફટકો નવી મુંબઈમાં પડ્યો છે.
આપણ વાંચો: મુંબઈમાં ઓલા-ઉબર ડ્રાઈવર્સની હડતાળનો ત્રીજો દિવસ; મુસાફરોની હાલાકી વધી
રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સાથે ગઇ કાલે યોજાયેલી બેઠકમાં સરનાઈકે ડ્રાઇવરોની સમસ્યાઓ સાંભળી, સકારાત્મકતા દર્શાવી અને ૧૫ દિવસનો સમય માંગ્યો હતો. આ પછી, કેટલાક રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો હડતાળમાંથી ખસી ગયા હતા. મહારાષ્ટ્ર રિક્ષા પંચાયત અને કેટલાક ટેક્સી સંગઠનોએ હડતાળમાંથી ખસી જવાની જાહેરાત કરી છે.
રિક્ષા અને ટેક્સી ચાલકોએ પોતાની આજીવિકા આ વ્યવસાય પર નિર્ભર હોવાથી હડતાળમાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું. હળતાળમાંથી ખસી જનાર સંગઠનોએ કહ્યું કે સરકાર સાથે યોગ્ય સ્તરે ચર્ચા ચાલી રહી છે, ત્યારે કોઈ પણ કારણ વગર હડતાળ કરવાની કોઈ જરૂર નથી.
આ સંગઠનોના પ્રતિનિધિઓએ કહ્યું છે કે કેટલાક સંગઠનો બળજબરી કે દાદાગીરી કરીને રિક્ષા, ટેક્સી અને કેબ ચાલકો-માલિકોને બંધમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે. આ સમયે, આ રિક્ષા અને ટેક્સી ચાલકોએ પોલીસ પાસે આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.