ઘોડબંદર રોડ પર ઑઈલ ટૅન્કર ઊંધું વળતાં કલાકો સુધી ટ્રાફિકજામ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ગુજરાતના વાપી શહેર જઈ રહેલું ઑઈલ ટૅન્કર થાણે નજીકના ઘોડબંદર રોડ પર ઊંધું વળી જતાં કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. ઘોડબંદર રોડ પર પાતલીપાડા બ્રિજ નજીક ઑઈલ ટૅન્કર ઊંધું વળી ગયું હતું, જેને કારણે ઑઈલ રસ્તા પર ઢોળાયું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ટૅન્કરમાં રિફાઈન્ડ લુબ્રિકેટિંગ ઑઈલ ભરેલું હતું. કોલ્હાપુરના ગોકુળ શિરગાંવથી નીકળેલું આ ટૅન્કર વાપી જઈ રહ્યું હતું. ડ્રાઈવર રાજુએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટૅન્કર ઊંધું વળી ગયું હોવાનું કહેવાય છે.
બનાવની જાણ થતાં ચિતળસર માનપાડા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રસ્તા પર ઑઈલ ઢોળાવાને કારણે લગભગ છ કલાક સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. કલાકો સુધી વાહનો ટ્રાફિકજામમાં અટવાયેલાં રહ્યાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ જેસીબીની મદદથી ટૅન્કરને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યું હતું અને રસ્તા પર ઢોળાયેલા ઑઈલ પર રેતી નાખી વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલુ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટૅન્કરના ડ્રાઈવર રાજુને માથામાં ઇજા થઈ હતી. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.