આમચી મુંબઈ

મહંમદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી: વિવાદાસ્પદ ધર્મોપદેશક નરસિંહાનંદ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

થાણે: મહંમદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરવા પ્રકરણે અનેક કેસનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ ધર્મોપદેશક યતિ નરસિંહાનંદ સામે થાણે પોલીસે વધુ એક એફઆઇઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દી ભવન ખાતે 29 સપ્ટેમ્બરે આયોજિત કાર્યક્રમમાં વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો તેમના પર આરોપ છે.

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઇ)ના અધ્યક્ષ દ્વારા મુંબ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદને આધારે 3 ઑક્ટોબરે ગુનો દાખલ કરાયો હતો.
મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 (અલગ અલગ જૂથો વચ્ચે વેર પેદા કરવું), 197 (રાષ્ટ્રીય અખંડિતતા જોખમમાં મૂકવી), 299 (અન્યની ધાર્મિક લાગણી દુભવવી), 302 (ભાવના દુભવવાના હેતુથી ઉચ્ચારાતા શબ્દો) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જોકે આ પ્રકરણે હજી સુધી કોઇની ધરપકડ કરાઇ ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

નરસિંહાનંદ વિરુદ્ધ દેશભરના અનેક રાજ્યમાં ગુના દાખલ છે અને તેમની ધરપકડ કરવાની માગણી પણ કરાઇ છે.
અમરાવતીમાં પણ તેમની સામે ગુનો દાખલ કરાયો હતો, જ્યાં શુક્રવારે રાતે નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનની બહાર હિંસક વિરોધ જોવા મળ્યો હતો. ટોળાએ કરેલા પથ્થરમારામાં 21 પોલીસ કર્મચારી ઘવાયા હતા અને 10 પોલીસ વૅનને નુકસાન પહોંચાડાયું હતું.

નરસિંહાનંદની ટિપ્પણીને કારણે ગાઝિયાબાદ અને અન્ય રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓ જ્યાં ધર્મોપદેશ આપે છે એ ગાઝિયાબાદમાં દાસના દેવી મંદિરની બહાર શુક્રવારે રાતના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button