બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યા: ચાર બંગલાદેશી પોલીસના સકંજામાં
લોકસભાની ચૂંટણીમાં મતદાન પણ કર્યાનું તપાસમાં સામે આવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યા બાદ બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવનારા ચાર બંગલાદેશીને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઘણાં વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા, જે માટે તેમની વિરુદ્ધ ગુના દાખલ છે. બીજી તરફ પાંચ ફરાર બંગલાદેશીમાંથી એક જણ પાસપોર્ટને આધારે નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હોવાનું, જ્યારે અમુક આરોપીએ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
એટીએસના જુહુ યુનિટના સ્ટાફે ધરપકડ કરેલા ચારેય બંગલાદેશીની ઓળખ રિયાઝ હુસેન શેખ, સુલતાન સિદ્દીક શેખ, ઇબ્રાહિમ શફીઉલ્લા શેખઅને ફારુખ ઉસ્માનગની શેખ તરીકે થઇ હતી. કોર્ટે ચારેય આરોપીને પોલીસ કસ્ટડી ફટકારી હતી.
એટીએસની ટીમે મળેલી માહિતીને આધારે બંગલાદેશીને તાબામાં લીધો હતો, જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બંગલાદેશીઓ ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરે છે. પકડાઇ જતાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી કોર્ટમાં હાજર કરાય છે.
કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવે છે. આ માહિતી બાદ એટીએસે ચાર બંગલાદેશીની ધરપકડ કરી હતી, જેઓ અંધેરી, માલવણી, માહુલગાંવ અને ઓશિવરામાં રહેતા હતા.
આરોપીઓએ ગુજરાતના સુરતમાં પોતે રહેતા હોવાના પુરાવા પ્રાપ્ત કર્યા હતા અને તેને આધારે સુરતથી બોગસ પાસપોર્ટ કઢાવ્યા હતા. આ જ રીતે અન્ય પાંચ ફરાર બંગલાદેશીએ પણ બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓના આતંકવાદી પ્રવૃત્તિ સાથે કોઇ સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.