રાજ્યના પ્રધાન અતુલ સાવેના આશ્ર્વાસન બાદ ઓબીસી સમાજે આંદોલન પાછું ખેંચ્યું | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યના પ્રધાન અતુલ સાવેના આશ્ર્વાસન બાદ ઓબીસી સમાજે આંદોલન પાછું ખેંચ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અતુલ સાવેએ મુલાકાત લઈને ખાતરી આપી કે મરાઠા ક્વોટા અંગેના નિર્ણયથી તેમના અનામતને કોઈ અસર થશે નહીં, ત્યાર બાદ ઓબીસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાએ ગુરુવારે છ દિવસ જૂનું આંદોલન સમાપ્ત કર્યું હતું, એવી માહિતી મળી છે.

‘સરકાર ઓબીસી સમુદાયના હાલના અનામતનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે,’ એમ સાવેએ નાગપુરમાં આંદોલનકારીઓને કહ્યું હોવાનું તેમની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંંને નાયબ મુખ્યપ્રધાનો વતી સાવે આંદોલન સ્થળે પહોંચ્યા હતા.
મરાઠા અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાનમાં બેમુદત ભૂખ હડતાળ શરૂ કર્યાના એક દિવસ પછી, રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘે 30 ઓગસ્ટથી નાગપુરના સંવિધાન ચોક ખાતે સાંકળી ભૂખ હડતાળ શરૂ કરી હતી.

રાષ્ટ્રીય ઓબીસી સંઘ મરાઠા સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાનો વિરોધ કરી રહ્યો હતો.
તેમણે 14 માગણીઓ રજૂ કરી હતી, જેમાં મરાઠાઓને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ ન કરવા અને તમામ મરાઠા સમુદાયના સભ્યોને કુણબી પ્રમાણપત્રો આપવામાં ન આવે તે સહિતની માગણીઓનો સમાવેશ થતો હતો.

આંદોલનકારીઓને સંબોધતા સાવેએ કહ્યું હતું કે, ‘ઓબીસી ક્વોટા અસ્પૃશ્ય રહેશે. સરકાર ઓબીસી સમુદાયના હાલના અનામતનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે ઓબીસી ક્વોટામાં કોઈ ખલેલ પહોંચાડ્યા વિના મરાઠા અનામત પર સર્વસંમતિ સાધી છે.

સાવેએ રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘને ખાતરી આપી કે તેમની 14 માંગણીઓમાંથી 12 સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી સપ્તાહે મુંબઈમાં (સરકારની) બેઠકમાં અન્ય બે માગણીઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેનો ઉકેલ પણ શોધવામાં આવશે.

તેમના આશ્ર્વાસન બાદ ઓબીસી સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ બબન તાયવાડેએ કહ્યું હતું કે તેમણે આંદોલન સમાપ્ત કરી દીધું છે.

સાવેએ જણાવ્યું કે મુખ્ય પ્રધાન ફડણવીસે વિવિધ સમુદાયો માટે લક્ષિત કાર્યક્રમો અમલમાં મૂકવા માટે રાજ્યમાં 18 વિવિધ વિકાસ નિગમોની સ્થાપના કરી છે.

‘પહેલા તબક્કામાં, દરેક કોર્પોરેશનને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ વર્ષે, ફાળવણી વધારીને લગભગ 50 કરોડ રૂપિયા કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ કોર્પોરેશનોને કાર્યક્ષમ રીતે કાર્ય કરવા માટે લગભગ 200 કરોડ રૂપિયા આપવાની યોજના ધરાવે છે,’ એમ તેમણે કહ્યું હતું.

કુલ 22 વિકાસ કોર્પોરેશનોની રચના કરવામાં આવી છે અને ઓબીસી સમુદાયોને તેમના અને સંબંધિત યોજનાઓ દ્વારા લગભગ 1,200 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે, એમ પણ સાવેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button