દાદર કબૂતરખાનાઃ વર્ષોથી દાદરના રહેવાસી કબૂતરો હવે બીજે ઘર શોધ્યું

મુંબઈઃ મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા કબૂતરખાનાનો વિવાદ ભારે ચગ્યો હતો અને જૈનસમાજ અને સ્થાનિકો તેમ જ પોલીસતંત્ર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ઘણા લાંબા ચાલેલા અને રાજકીય રંગ લઈ ચૂકેલા આ વિવાદ બાદ કબૂતરોની સંખ્યા ઓછી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
હાઈકોર્ટના નિર્દેશ અનુસાર મહાનગરપાલિકાએ આ કબૂતરખાનું બંધ કરી દીધું હતું. કાયમી સ્વરૂપે આ કબૂતરખાનું બંધ થઈ જતા હવે કબૂતરોનુ આવવાનું બંધ થઈ ગયું છે, તેમ સ્થાનિકો કહે છે. અગાઉ કબૂતરો એકમાળીય ઈમારતો પર કે પીપળાના ઝાડ પર બેસતા અને જૈન દેરાસરમાં પણ બેસતા હતા.
આપણ વાંચો: દાદર કબૂતરખાનાનો મુદ્દો બન્યો સાંપ્રદાયિક મરાઠી વિરુદ્ધ જૈનોનું સ્વરૂપ આપવામાં આવ્યું
જૂની ઈમારતોની છત પર કે પીપળાના ઝાડ પર બેસતા કબૂતરોની ચરક અને પીછા વગેરેને લીધે અહીં આસપાસના ફેરિયાઓએ છત્રી લગાવી બેસવું પડતું, પરંતુ હવે વિના છત્રી બેસીએ તો પણ ચાલે છે, તેમ એક સ્થાનિકે હસતા હસતા કહ્યું હતું. તેમના કહેવા અનુસાર દાણા નાખવાના બંધ થતાં કબૂતરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કબૂતરોની ચરક અને પીંછા તેમ જ તેમનું સતત માનવ વસાહતમાં રહેવું માણસો માટે બીમારી લાવે છે અને ખાસ કરીને ફેંફસા સંબંધિત તકલીફો થતી હોવાની ફરિયાદો થઈ રહી હતી.
આપણ વાંચો: દાદર કબૂતરખાનામાં ફરી ભારે ધમાલ…
બોમ્બે હાઈકોર્ટમા આ વિષય ગયો હતો અને દાદર કબૂતરખાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પાલિકાએ સફાઈ કરી તાલપત્રી ઢાંકી કબૂતરખાનું બંધ કરી દેતા જૈન સમાજે વિરોધ કર્યો હતો અને આ મુદ્દો ભારે ચગ્યો હતો.
જોકે હવે ભોળા કહેવાતા પારેવડાંએ જ બીજું ઠેકાણું શોધવાનું શરૂ કરી દીધું છે. શહેરોમાં રખડતા શ્વાન, અન્ય પશુઓ અને કબૂતરોનો મુદ્દો હંમેશાં ગાજતો રહે છે.