મુંબઈના દરિયાકિનારા પર લાઈફગાર્ડની સંખ્યા વધારાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ચોપાટીઓ સહિત દરિયાકિનારા પર પર્યટકોની સતત ભીડ વધી રહી છે. વધતી ભીડને જોઈને મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ લાઈફગાર્ડની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. હાલ લાઈફગાર્ડની સંખ્યા ૯૩ છે તેને હવે ૧૩૭ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ ફાયરબ્રિગેડના નેજા હેઠળ લાઈફગાર્ડની સેવાઓનું સંચાલન અને જાળવણી માટે મુંબઈ મહાનગરપાલિકાએ ત્રણ વર્ષ માટે એક ખાનગી એજન્સીની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પાડયું છે.
ત્રણ બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલું મુંબઈ ૧૪૯ કિલોમીટર લાંબો દરિયોકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં બીચ હોવાને કારણે દેશ-વિદેશથી અનેક પર્યટકો ફરવા આવતા હોય છે, જેમાં અમુક વખત પર્યટકો સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરતા દરિયામાં અંદર જતા હોય છે અને ડૂબી જવાના બનાવ બનતા હોય છે. મુંબઈ ફાયરબ્રિગેડે છ જોખમી દરિયાકિનારાને ઓળખી કાઢ્યા છે જ્યાં પાણીમાં જૂબી જવાનું જોખમ વધારે છે.
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી અને ઉપનગરમાં જુહુ, વર્સોવા, આક્સા અને ગોરાઈનો સમાવેશ થાય છે. આ દરિયાકિનારા પર દર વર્ષે લાખો મુલાકાતીઓ આવતા હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં દરિયામાં ભરતી સમયે મોટી સંખ્યામાં પર્યટકો દરિયાકિનારે આવતા હોય છે અને દરિયામાં અંદર સુધી જતા હોય છે તેને કારણે અનેક વખત દરિયામાં ભરતી સાથે તણાઈ જવાના બનાવ બનતા હોય છે.
દરિયાકિનારા પર થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે પાલિકા અને મુંબઈ ફાયરબ્રિગેડ દર વર્ષે ખાનગી એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવતા ૯૩ લાઈફગાર્ડને આખા વર્ષ દરમ્યાન દરિયાકિનારા પર તહેનાત કરતી હોય છે. વધુમાં પાલિકાના ૧૧ કર્મચારીની સ્ટેન્ડબાય ટીમ સતર્ક રહેતી હોય છે.
ફાયરબ્રિગેડના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે દરિયાકિનારા પર આવનારા લોકોની સંખ્યામાં સતત વધારો જોયો છે. ખાસ કરીને યુવાનોમાં જેઓ ચેતવણીને અગવણીને પણ તોફાની દરિયામાં અંદર જતા હોય છે અને પોતાના જીવ જોખમમાં મૂકતા હોય છે. મુલાકાતીઓની વધતી સંખ્યાની સરખામણીમાં લાઈફગાર્ડની સંખ્યા અપૂરતી છે. તેથી હાલના સ્ટાફના કામનો ભાર ઘટાડવા માટે લાઈફગાર્ડની સંખ્યા વધારવામાં આવવાની છે.
દરિયાના કિનારા પર નજર રાખવા માટે ૧૩૭ લાઈફગાર્ડ પૂરા પાડવા માટે નિયુક્ત કરાયેલી ખાનગી એજન્સીને ૨૦૨૫થી ૨૦૨૮ સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે કરારબદ્ધ કરવામાં આવશે. બે શિફ્ટમાં લાઈફગાર્ડ દરિયાના કિનારા પર ફરજ બજાવશે.
આ પણ વાંચો…થાણેમાં સુરક્ષા ભીંત તૂટી પડી