એનઆરઆઈ ડૉક્ટર-યુટ્યૂબર સંગ્રામ પાટીલને ઍરપોર્ટ પર તાબામાં લેવાયો

મુંબઈ: ભાજપના પદાધિકારીએ નોંધાવેલા બદનક્ષીના કેસ પ્રકરણે લંડનમાં રહેતા એનઆરઆઈ ડૉક્ટર અને જાણીતા યુટ્યૂબર સંગ્રામ પાટીલને શનિવારની સવારે મુંબઈ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી તાબામાં લેવાયો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પાટીલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 35(3) હેઠળ નોટિસ આપવામાં આવી હતી અને પછી તેને છોડી દેવાયો હતો. તેની ધરપકડ કરાઈ નથી, એવી સ્પષ્ટતા અધિકારીએ કરી હતી.
આ પણ વાંચો : મહિલા સાથે છેતરપિંડી અને ધમકી આપવા પ્રકરણે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ
ડૉ. પાટીલ લંડનથી મુંબઈના ઍરપોર્ટ પર પહોંચ્યો પછી તેને અટકાયતમાં લેવાયો હતો. પાટીલ અને તેની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસ બાદ તેમને છોડી દેવાયાં હતાં, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ભાજપના મીડિયા સેલના પદાધિકારી નિખિલ ભામરેએ નોંધાવેલી ફરિયાદ મામલે આ કાર્યવાહી કરાઈ હતી. ભામરેએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે પાટીલે સત્તા પક્ષ વિશે ખોટી માહિતી ફેલાવી હતી અને પક્ષના નેતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. (પીટીઆઈ)



