હવે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદ મુદ્દે થયો વિવાદ, જાણો શું છે મામલો?

Mumbai: આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી ભેળવવાના ખુલાસા અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના વિવાદ બાદ હવે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદર જોવા મળ્યા છે. આ પછી સવાલો ઉઠી રહ્યા છે કે પ્રસાદને સ્વચ્છ જગ્યાએ તૈયાર કરીને રાખવામાં આવતો નથી અને તે અશુદ્ધ છે. આ આરોપો એક વીડિયોના આધારે લગાવવામાં આવી રહ્યા છે, જેમાં સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વહેંચવામાં આવતા ‘મહાપ્રસાદ લાડુ’ના પેકેટમાં ઉંદર જોવા મળ્યા હતા.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાડુનાકેરેટ રાખવામાં આવ્યા છે. લાડુના પેકેટો ઉંદરે કોતરેલા છે. કેરેટમાં પણ ઉંદરો જોવા મળી રહ્યા છે. અહેવાલ મુજબ આ મંદિરમાં દરરોજ લગભગ 50 હજાર લાડુ બનાવવામાં આવે છે. પ્રસાદના એક પેકેટમાં 50 ગ્રામના બે લાડુ હોય છે. તહેવારોના સમયમાં પ્રસાદની માંગ વધી જાય છે.
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે એ માનવાનો ઇનકાર કર્યો છે આ વીડિયો ક્લિપ મંદિરની છે. તેમણે જણાવ્યું છે કે આ કોઇ અન્ય મંદિરની ક્લિપ હોઇ શકે છે. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ આ ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજની તપાસ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મંદિરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરીને જાણકારી લેવામાં આવશે. મંદિરનો પ્રસાદ જ્યાં બનાવવામાં આવે છે , તેમાં ઉચ્ચ ક્વાલિટીનું ઘી અને પાણી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
એનું બીએમસી લેબમાં ટેસ્ટિંગ પણ કરાવવામાં આવે છે. મંદિરનો પ્રસાદ હંમેશા શુદ્ધ અને ચોખ્ખો જ હોય છે. આ મંદિરનો બદનામ કરવાનું ષડયંત્ર હોઇ શકે છે. આ પહેલા પણ આવા પ્રયાસો થયા છે. જે પણ દોષી હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. એમ લાગી રહ્યું છે કે હિંદુ ધર્મ સંસ્થાનોને બદનામ કરવાનું કાવતરું થઇ રહ્યું છે.
Also Read –