હવે મહારાષ્ટ્રની આ બેંક પર રિઝર્વ બેંકે પ્રતિબંધ મૂક્યો, જોઇલો તમારી બેંક તો નથી ને….

મુંબઇઃ બેંકની કથળતી નાણાકીય પરિસ્થિતિને પગલે આરબીઆઈએ મંગળવારે કોણાર્ક અર્બન કો-ઓપરેટિવ બેંક, ઉલ્હાસનગર (મહારાષ્ટ્ર) પર ઉપાડ સહિત અનેક નિયંત્રણો લાદ્યા હતા. જોકે, રિઝર્વ બેંકે જણાવ્યું છે કે પાત્ર થાપણદારો તેમની થાપણોની 5 લાખ સુધીની ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.
કોણાર્ક અર્બન કો-ઓપરેટિવ બેંક પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A હેઠળના નિર્દેશોના સ્વરૂપમાં પ્રતિબંધો 23 એપ્રિલ, 2024 (મંગળવાર) ના રોજ કામકાજની સમાપ્તિથી અમલમાં આવ્યા હતા.
બેંક આરબીઆઈની પરવાનગી વિના કોઈપણ લોન અને એડવાન્સિસ મંજૂર અથવા રિન્યુ કરી શકશે નહીં, કોઈપણ રોકાણ કરી શકશે નહીં, કોઈપણ જવાબદારી ટ્રાન્સફર કરી શકશે નહીં અથવા અન્યથા તેની કોઈપણ મિલકતનો નિકાલ કરી શકશે નહીં.
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, “બેંકની હાલની લિક્વિડિટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા થાપણદારના અન્ય કોઈપણ ખાતામાં કુલ બેલેન્સમાંથી કોઈ રકમ ઉપાડવાની મંજૂરી આપી શકાતી નથી, પરંતુ તેને લોન સેટ ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી છે.”આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે બેક પર લગાવવામાં આવેલા આ નિયંત્રણોને બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે સમજવા જોઈએ નહીં.
રિઝર્વ બેંકે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખી શકશે.