લાડકી બહેન યોજના અંગે હવે સુપ્રિયા સુળેએ શું કહ્યું જાણો?
મુંબઈઃ શરદચંદ્ર પવાર જૂથની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળેએ મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ બજેટ દરમિયાન જાહેર કરેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની ટીકા કરતી હતી. આર્થિક રીતે નબળા વર્ગ આ યોજના બાકી કંઇ નહીં, પરંતુ ફક્ત એક જુમલો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે બહાર પાડેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના અંતર્ગત અઢી લાખ રૂપિયાથી ઓછી કૌટુંબિક આવક ધરાવતી 21 વર્ષથી 65 વર્ષ સુધીની મહિલાઓને દર મહિને દોઢ હજાર રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. પહેલા આ યોજના માટે મહિલાઓની ઉંમર 21 વર્ષથી 61 વર્ષ સુધીની હતી, જે પછીથી વધારીને 65 વર્ષ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : લાડકી બહેન યોજના અંગે રાજ્ય સરકારને મનસેએ કરી મોટી માગણી
સુળેએ આ યોજનાની ટીકા કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને માંડ બે મહિના બાકી છે ત્યારે રાજ્ય સરકાર આ પ્રકારના જુમલા વરસાવે તે અપેક્ષિત હતું. ફુગાવા અને બેરોજગારીના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખતા આ યોજના ખૂબ જ સારી છે. સરકારે મહિલાઓને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમાં ઘણી જ શરતો અને નિયમો છે. આ યોજનાનું હું સ્વાગત કરું છું, પરંતુ ચૂંટણી પૂર્વે આ યોજના લાવવી એ ફક્ત એક જુમલો જ છે.
સુળેએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ લોન લઇને અને સરકારી ભંડોળ ખર્ચ કરીને જીતવામાં આવી રહી છે, પરંતુ આ ભંડોળ ક્યાંથી આવી રહ્યું છે અને તેની કિંમત કોણ ચૂકવશે તે સરકારે જણાવવું જોઇએ.
અજિત પવારના ભ્રષ્ટાચાર વિશે ફડણવીસને પૂછો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ પોતાના પિતરાઇ ભાઇ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો વિશે પૂછવામાં આવતા સુળેએ કહ્યું હતું કે હજી સુધી તેમના વિરુદ્ધ કોઇપણ આરોપ પુરવાર થયો નથી. જોકે, આ સવાલ દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવવો જોઇએ કારણ કે તેમણે જ આ આરોપ તેમના પર મૂક્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હોવાના કારણે તેમને સવાલ પૂછવામાં આવવો જોઇએ, તેમ સુળેએ જણાવ્યું હતું.