હવે આરટીઈ હેઠળ એડમિશન મળવામાં થશે મુશ્કેલી

મુંબઈ: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ મુંબઈની ખાનગી સ્કૂલોમાં એડમિશન મળવાનું હવે મુશ્કેલ બની શકે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ડિરેક્ટોરેટ બુધવારે આરટીઈ હેઠળ સ્કૂલોમાં એડમિશન માટે સર્ક્યુલર બહાર પાડ્યું છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે આરટીઈ હેઠળ 25 ટકા રિઝર્વ સીટ પર બાળકોને તેમના નિવાસસ્થાનથી એક કિમીની અંદર અનુદાનિત, સરકારી અને સ્થાનિક સંસ્થાની સ્કૂલ નહીં હોય, તો તેને એક કિમીની અંદર સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે. મુંબઈમાં આમાં સૌથી વધારે ખાનગી સ્કૂલો આરટીઆઈ ક્ષેત્રની બહાર થઇ જશે.
આરટીઈ એક્ટિવિસ્ટ વિજય કનોજિયાના જણાવ્યા અનુસાર સર્ક્યુલરમાં જે શરતો મૂકવામાં આવી છે તેનાથી મુંબઈની ખાનગી સ્કૂલ આરટીઈથી બહાર થઇ જશે. રાજ્ય સરકારની આ શરતોથી આરટીઈની પાછળના ઉદ્દેશોને ઝટકો લાગશે. સર્ક્યુલર અનુસાર જો એક કિમીમાં સ્કૂલ નહીં હોય તો વિદ્યાર્થીના ઘરથી ત્રણ કિમીમાં આવતી સ્કૂલોમાં એડમિશન માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે આરટીઈ હેઠળ ગરીબ અને ધનવાન વિદ્યાર્થીઓ માટે એક સાથે શિક્ષણની વ્યવસ્થા કરી હતી, પણ હવે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના દબાણમાં આવીને આરટીઈ હેઠળ ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવા પર રોક લગાવવાની શરતો લગાવી છે, એવો દાવો કનોજિયાએ કર્યો છે.