મહારાષ્ટ્રના પ્રોજેક્ટ ગુજરાતમાં જવા અંગે હવે એકનાથ શિંદેએ આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રના સબમરીન પ્રોજેકટને ગુજરાત લઈ જવાની વાત પર રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે આવેલા પ્રોજેકટમાં પર્યટકોને સબમરીનનો પ્રવાસ કરાવવામાં આવે છે પણ હવે આ 56 કરોડ રૂપિયાના પ્રોજેકટને ગુજરાતના દ્વારકામાં લઇ જવાનો આરોપ લગાવી વિરોધી પક્ષ દ્વારા સરકાર પર ટીકા કરવામાં આવી હતી. આ મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આરોપોને ખોટા ગણાવતા નાગરિકોને આવી અફવા પર વિશ્વાસ ન રાખવા અને રાજ્યનો સબમરીન પ્રોજેકટને ક્યાંય જઈ રહ્યો નથી એવી સ્પષ્ટતા કરી હતી.
મહારાષ્ટ્ર પર્યટન વિભાગ દ્વારા 2018માં સિંધુદુર્ગમાં આવેલા નિવાતી રોક્સ ખાતે દેશના પહેલા સબમરીન પ્રોજેકટને વિકસાવવામાં આવ્યો હતો. આ પ્રોજેકટને સિંધુદુર્ગના વિસ્તારોનો વિકાસ અને સ્થાનિક નાગરિકો માટે આવક ઊભી કરવા માટે પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત આ પ્રોજેકટને કારણે દર વર્ષે 150-200 કરોડ જેટલી આવક જિલ્લાને મળવાની શક્યતા હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યના આ પ્રોજેકટને મઝગાંવ ડોકયાર્ડ દ્વારકાના દરિયા ખાતે શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જાન્યુઆરીમાં યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સબમરીન પ્રોજેકટને ગુજરાતમાં લઈ જવાની જાહેરાત કરવામાં આવી શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના આ પ્રોજેકટને ગુજરાત લઇ જવાની વાત પર એનસીપી (શરદ પવારના જૂથ)ના નેતા રોહિત પવારે કહ્યું હતું કે એક પછી એક રાજ્યના પ્રોજેક્ટ્સને ગુજરાત લઈ જવામાં આવી રહ્યા છે છતાં સરકાર દ્વારા બધુ બરાબર હોવાના સંકેતો આપે છે.
જોકે, હજી કેટલા દિવસો સુધી મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સને ગુજરાત મોકલવાના સમાચાર વાંચતા રહીશું?, એવો સવાલ રોહિત પવારે કર્યો હતો. આ પ્રોજેકટને લઈને એનસીપીના અન્ય વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આખા મહારાષ્ટ્રને ગુજરાત લઈ જાઓ અને રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધારો.