હવે પાક્કું સમજવાનું કે ગોવિંદા ચૂંટણી નહીં લડે પણ
મુંબઈ: બોલીવુડના ‘હિરો નંબર વન’ ગોવિંદાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં તેમના જૂથની શિવસેનામાં પ્રવેશ કર્યો અને ગોવિંદાએ 14 વર્ષ બાદ ફરીથી રાજકારણમાં નવી ઈનિંગ શરુ કરી હતી, પરંતુ હવે નવા અહેવાલ વહેતા થયા છે કે ગોવિંદા ચૂંટણી નહીં લડે અને ફક્ત મહાયુતિ માટે પ્રચાર કરશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
ગોવિંદાએ જ્યારે શિંદે જૂથની શિવસેનામાં પ્રવેશ કર્યો ત્યારે તે ઉત્તર-પશ્ચિમની મુંબઈ બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ગોવિંદા ફક્ત પક્ષ માટે પ્રચાર કરશે, તેવું જાણવા મળ્યું છે.
ગોવિંદા 4, 5 અને 6 તારીખે રામટેક બેઠક માટે ચૂંટણીનો પ્રચાર કરશે. જ્યારે 11 અને 12 એપ્રિલે યવતમાળ બેઠક માટે પ્રચાર કરશે. 15 અને 16 તારીખે હિંગોલી ક્ષેત્રમાં ગોવિંદા મહાયુતિ માટે પ્રચાર કરશે. જ્યારે 17 અને 18 તારીખે બુલઢાણા બેઠક માટે પ્રચાર રેલીમાં ગોવિંદા સામેલ થશે.
ગોવિંદા આ પહેલા પણ રાજકારણમાં હાથ અજમાવી ચૂક્યા છે અને કૉંગ્રેસ તરફથી તે ઉત્તર મુંબઈ બેઠક ઉપરથી સાંસદ પણ રહ્યા હતા. 2004ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે ગોવિંદાને ટિકિટ આપી હતી અને એ દરમિયાન વિજયી પણ થયા હતા.
આ ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈના શિંદે જૂથના સાંસદ ગજાનન કિર્તીકરને ટિકિટ આપવામાં આવે, તેવી ઓછી શક્યતા છે. તેના કારણે ગોવિંદાને આ બેઠક ઉપરથી ચૂંટણીમાં ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી હતી. જોકે, ગોવિંદા ફક્ત પક્ષ માટે પ્રચાર જ કરશે અને ચૂંટણી નહીં લડે, તેવી માહિતી મળી છે.