દંડની રકમ ન ભરનારા 17 લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા પછી દંડની રકમ ન ભરનારા 17 લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઈ-ચલાનની રકમ ન ભરનારા વાહનધારકો લોકઅદાલતમાં હાજર ન થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર તાજેતરમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વાહનધારકો અને ડ્રાઈવરોને ઈ-ચલાન દ્વારા ફટકારવામાં આવેલી દંડની રકમનાં લેખાંજોખાં જાહેર કરાયાં હતાં. ટ્રાફિક વિભાગના કહેવા મુજબ આવા વાહનધારકો પાસેથી હજુ 685 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ વિરુદ્ધ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે વન સ્ટેટ વન ઈ-ચલાન હેઠળ નિયમોનો ભંગ કરનારાઓને ઈ-ચલાન દ્વારા દંડ ફટકારવામાં આવે છે, જેની માહિતી સંબંધિત વાહનધારકોને તેમના મોબાઈલ ફોન પર મોકલવામાં આવે છે. આવા વાહનધારકો-ડ્રાઈવરો પાસેથી દંડની રકમ વસૂલવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા વિવિધ પ્રકારની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવે છે.
આટલા પ્રયત્નો છતાં દંડની રકમ ન ભરનારા 17,10,519 વાહનધારક-ચાલકોને ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસીસ ઓથોરિટી, મુંબઈ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે ઑનલાઈન પોર્ટલ, મોબાઈલ ઍપ, નેટ બૅન્કિંગ અથવા નજીકની ટ્રાફિક પોલીસ ઑફિસમાં જઈને વહેલીતકે દંડની રકમ ભરી દેવી. જે વાહનધારકોે દંડની રકમ ન ભરે તેમણે શનિવારે લોકઅદાલતમાં હાજર રહેવું. લોકઅદાલતમાં દંડની રકમનો નિવેડો લાવવામાં આવશે. લોકઅદાલતમાં પણ હાજર ન રહેનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું પણ જણાવાયું હતું.