વૃક્ષો પર ઈલેક્ટ્રિક લાઈટિંગના કારણે પાલિકા અને પર્યાવરણ વિભાગને નોટિસ
મુંબઈ: રસ્તા નજીકના વૃક્ષો પર તહેવારો દરમિયાન લગાડાતી ઈલેક્ટ્રિક લાઈટિંગથી વૃક્ષોને થતાં નુકસાનની પર્યાવરણપ્રેમીઓએ ગંભીર નોંધ લીધી છે. થાણેના પર્યાવરણ કાર્યકર્તાએ મુંબઈ, થાણે અને મીરા-ભાઈંદર નગરપાલિકાઓ અને રાજ્યના પર્યાવરણ વિભાગને વકીલો દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
આ નોટિસ સાથે ગ્રીન આર્બિટ્રેશન અને ઇલેક્ટ્રિક લાઇટિંગના સંદર્ભમાં અન્ય કોર્ટના આદેશોની નકલ પણ જોડવામાં આવી છે. તેમણે એવો સંકેત આપ્યો છે કે વૃક્ષો પરથી ઈલેક્ટ્રિક વાયર હટાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે નહીંતર બોમ્બે હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
વૃક્ષો પર લગાવવામાં આવતી લાઇટિંગને કારણે વૃક્ષોના વિકાસને અસર થાય છે. ઘણી વાર વાયર તૂટી જવાથી વૃક્ષમાં આગ લાગી જાય છે. ઉપરાંત વૃક્ષો પરના નાના-મોટા જીવજંતુઓની પ્રજનન પ્રણાલીને અસર થાય છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આની ગંભીર નોંધ લીધી છે અને ચિંતા વ્યક્ત કરી છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વૃક્ષોને લાઈટિંગ નહીં કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે, આમ છતાં થાણે, નવી મુંબઈ, મુંબઈ, મીરા ભાઈંદર વિસ્તારોમાં ઈલેક્ટ્રિક લાઈટિંગ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.