એક-બે નહીં 70 મોબાઈલ પાર્સલમાંથી સેરવ્યા ડિલિવરી બૉયે
ઑનલાઈન ઑર્ડર આપતી વખતે સંભાળજો: કરામતી ડિલિવરી બૉયની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગ્રાહકોએ ઑનલાઈન ઑર્ડર કરેલા મોબાઈલ ફોન્સથી માંડી અન્ય વસ્તુઓ પાર્સલમાંથી સેરવી લઈ ખાલી બૉક્સ કંપનીમાં પાછાં જમા કરનારા ડિલિવરી બૉયની પોલીસે ધરપકડ કરી હતી. પાર્સલમાંથી ગુમ મોબાઈલ ફોનને પોલીસે ટ્રેસ કરતાં આરોપીની ચાલાકી પકડાઈ ગઈ હતી. આ રીતે આરોપીએ 70 જેટલા મોબાઈલ સેરવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રોહિત નાગપુરે (26) તરીકે થઈ હતી. ભિવંડીથી તાબામાં લેવાયેલા આરોપી પાસેથી સાત મોબાઈલ ફોન હસ્તગત કરવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર એક ઈ-કૉમર્સ કંપનીની ઑફિસ મલાડ પશ્ર્ચિમના કાચ પાડા પરિસરમાં આવેલી છે. ગ્રાહકોએ ઑનલાઈન ઑર્ડર કરેલી વસ્તુઓની ડિલિવરી કરવાનું કામ આ કંપની દ્વારા કરવામાં આવે છે. કંપનીમાં પચીસ ડિલિવરી બૉય હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પણ વાંચો: રામલલાના ઘરમાં ચોરી, Ayodhya Rampath પર લાગેલી લાખોની કિંમતની લાઇટો ગાયબ
કંપનીનું ગોદામ ભિવંડીમાં હોઈ ભિવંડીથી પાર્સલનાં બૉક્સ પહેલાં મલાડ લાવમાં આવે છે. પછી ડિલિવરી બૉયને પાર્સલ ડિલિવરી માટે આપી સાંજે રિપોર્ટ લેવામાં આવે છે. ઘણી વાર કસ્ટમર દ્વારા વસ્તુ સ્વીકારવામાં આવતી નથી તો ક્યારેક કસ્ટમર ઘરે ન હોય તો પાર્સલ પાછાં કંપનીમાં જમા કરાવવામાં આવે છે. આવાં પાર્સલ ફરી ભિવંડીના ગોદામમાં રાખવામાં આવે છે.
ભિવંડીથી મલાડ અને પાછા ભિવંડી પાર્સલ લઈ જવાની જવાબદારી પણ ડિલિવરી બૉય નાગપુરેને સોંપાઈ હતી.
પોલીસ તપાસમાં જણાયું હતું કે નાગપુરે આવાં પાર્સલમાંથી મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ કાઢી લઈ ખાલી બૉક્સ કંપનીમાં જમા કરાવતો હતો. અમુક બૉક્સમાં તે જૂની વસ્તુઓ ભરી દેતો હતો.
કોઈને આ વાતની જાણ ન થાય તેની ખાસ કાળજી રાખતો હતો. જોકે એપ્રિલ મહિનામાં પાછાં આવેલાં પાર્સલની કંપની દ્વારા વિગતો તપાસવામાં આવી હતી. અમુક પાર્સલની તપાસ કરતાં વસ્તુઓ ગુમ હોવાનું જણાયું હતું.
આ પ્રકરણે કંપનીના અધિકારીએ મલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 11.57 લાખ રૂપિયાના 70 મોબાઈલ ફોન અને 195 એસેસરીઝ ગુમ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસે અમુક ગુમ મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરને ટ્રેસ કરી ફોન ખરીદનારી વ્યક્તિની પૂછપરછ કરી હતી. મોબાઈલ નાગપુરે પાસેથી ખરીદવામાં આવ્યાની માહિતી મળતાં પોલીસે તેને તાબામાં લીધો હતો. નાગપુરેની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.