મુંબઈના હેરિટેજ સ્ટેશન સીએસએમટીમાં પર્યાપ્ત શૌચાલય નહીં, પ્રવાસીઓ નારાજ
મુંબઈ: એક તરફ મધ્ય રેલવે પ્રશાસન રેલવે સ્ટેશનોમાં મહિલાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા શૌચાલયો તૈયાર કરાવી રહ્યું છે, તો બીજી તરફ સીએસએમટી સ્ટેશન પરના શૌચાલય બંધ કરવામાં આવી રહ્યા છે. દૂરના ગીચ જગ્યાએ મહિલાઓ માટે વૈકલ્પિક શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે પણ મહિલાઓએ ત્યાં જઈને શૌચાલય માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. જેના કારણે મહિલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પુરૂષોના શૌચાલય બંધ કરી દેવામાં આવ્યા છે અને વાતાનુકૂલિત શૌચાલય શરૂ કરવામાં આવ્યા છે. જોકે, સીએસએમટી પર મુસાફરોના ધસારાની સરખામણીમાં આ શૌચાલય અપૂરતા પડી રહ્યા છે, પરિણામે મુસાફરોને શૌચાલય જવા માટે 10 થી 15 મિનિટ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. જેના કારણે ડાયાબિટીસ સહિત કિડનીની બીમારીથી પીડાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ઉપનગરીય ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે સીએસએમટીમાં શૌચાલયની સુવિધા હતી. જોકે મહિલાઓને કોઈ પણ પ્રકારની આગોતરી સૂચના આપ્યા વિના એ અચાનક બંધ કરી તેના પુનઃ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યાં મહિલાઓ અને પુરૂષો માટે શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. એટલે ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યા છે કે મહિલાઓએ સીએસએમટીના પ્લેટફોર્મ નંબર 14-15 પર શૌચાલયનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.