‘ચાય પે ચર્ચા’ નહીં, ‘કોફી વિથ યુથ: ભાજપનો યુવાનો સાથે જોડાવવા માટે નવો કિમીયો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જનતા સાથેનો સંવાદ ‘ચાય પે ચર્ચા’ સામાન્ય રીતે ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ યુવાનો તેમાં વધુ પડતો રસ દાખવતા ન હોવાનું જણાતા ભાજપે યુવાનોને સાથે જોડવા માટે અને પોતાની વાત દેશના યુવા ધન સુધી પહોંચાડવા માટે નવો કિમીયો શોધી કાઢ્યો છે. ચૂંટણી યોજાય તે પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા ‘કોફી વિથ યુથ’નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરી વિસ્તારના યુવાનો સુધી પહોંચવા માટે મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ પારંપારિક ઓફિસ સ્પેસ, કોઇના નિવાસસ્થાન કે બંધ બારણે લેવાતા ઇન્ટરવ્યૂને બદલે કેફે, ગાર્ડન જેવી જગ્યાઓએ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ધરાવતા કોફી મગને વિશેષ રૂપે સામેલ કરવામાં આવશે અને આ મગમાં કોફીની ચૂસ્કી લેતા સમાજ ઉપરાંત દેશના મુદ્દે તેમ જ અન્ય બાબતો વિશે ચર્ચા કરવામાં આવશે.
આપણ વાંચો: PM મોદી ભાજપનો ઉમેદવાર પસંદ કરતી વખતે કઈ બાબતને આપે છે પ્રાધાન્ય? જાણો
આ વિશે વધુ માહિતી આપતા મહારાષ્ટ્ર ભાજપના જનરલ સેક્રેટરી વિક્રાંત પાટીલે જણાવ્યું હતું કે અમે મતદારો સાથે જોડાવા માટે ખાસ સમયપત્રક તૈયાર કર્યું છે અને તેની સાથે ચર્ચા માટે વિશેષ તૈયારી કરી છે, જેથી તેમની સાથે વધુમાં વધુ સંવાદ સાધી શકાય.
2014માં શરૂ થયો હતો ‘ચાય પે ચર્ચા’નો કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે આવો જ કાર્યક્રમ 2014ની લોકસભા ચૂંટણી પહેલા વડા પ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને દેેશના 1,000 કરતાં વધુ ટી-સ્ટૉલ ઉપર ‘ચાય પે ચર્ચા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનો સાથે સીધો સંવાદ
‘કોફી વિથ યુથ’ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભારતીય યુવા મોરચાની હશે અને તે આ કાર્યક્રમમાં દર વખતે 150થી 200 યુવાનો જે વિવિધ ક્ષેત્રથી સંબંધિત હોય તેમની સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરશે અને તેમની સાથે વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરશે. કલાકારો, ઉદ્યોગ સાહસિકો, નોકરિયાત યુવાઓ જેવા દરેક ક્ષેત્રના યુવાનો સાથે સંવાદ સાધવામાં આવશે.
ગયા મહિને જ શરૂ થયો ‘નમો યુવા ચૌપાલ’
ગયા મહિને અનેક ગામડાઓમાં ‘નમો યુવા ચૌપાલ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિશેષ કરીને યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારોના ભાજપના નેતાઓ અને આગેવાનો ત્યાંના યુવાનો સાથે સંવાદ સાધતા જોવા મળ્યા હતા. આ સિવાય શક્તિ કેન્દ્રોમાં ‘નમો સંવાદ’ હાથ ધરીને દર ઓછામાં ઓછા પ્રતિ કેન્દ્ર 6,000 મતદારો સુધી પહોંચવાનું ભાજપનું લક્ષ્ય છે.