ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર છવાતા મુંબઇ સુધી અસર, ટ્રેન અને ફ્લાઇટ શિડ્યુલ ખોરવાતા મુસાફરો પરેશાન…
મુંબઈ: દેશમાં સતત વધી રહેલી ઠંડીની(Winter 2025)અસર પરિવહન સેવા પણ પડી રહી છે. જેમાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં સતત બીજા દિવસે સવારના ગાઢ ધુમ્મસને કારણે મુંબઈથી આવતી ટ્રેનો અને ફ્લાઈટ્સને અસર થઈ રહી છે. તેમજ અનેક દિવસોથી ઘણી પ્રીમિયમ ટ્રેનો મોડી ચાલી રહી છે. તેની અસર લોકલ ટ્રેનોના સંચાલન પર પણ પડી રહી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી રાજધાની એક્સપ્રેસ, ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની, અમૃતસર એક્સપ્રેસ અને સ્વરાજ એક્સપ્રેસ સતત 6 કલાક મોડી ચાલી રહી છે. આ ટ્રેનો મોડી દોડવાને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે.
આ પણ વાંચો : વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ દોઢ મહિનામાં શરૂ થઈ જશે
81 ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે
ઉત્તર ભારતમાં ખરાબ હવામાનને કારણે કુલ 81 ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે, જ્યારે 15 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. અત્યંત ગાઢ ધુમ્મસને કારણે શનિવારે સવારે 7 વાગ્યે દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શૂન્ય વિઝિબિલિટી હતી. એરસ્ટ્રીપ્સ પર ‘રનવે વિઝ્યુઅલ રેન્જ 100-250 મીટરની વચ્ચે હતી.
શીત લહેરનો પ્રકોપ યથાવત
આ ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પણ શીત લહેર ચાલુ છે. તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાનની આગાહીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે શનિવારે સવારે બહાદુરગઢનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં 19 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ, 24 કેન્સલ
ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે 19 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી અને 24 રદ કરવામાં આવી છે. જ્યારે 13 સ્થાનિક, 4 આંતરરાષ્ટ્રીય અને 2 અન્ય ફ્લાઇટ્સ જયપુર, અમદાવાદ, ભોપાલ અને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 144 ફ્લાઈટ મોડી પડી હતી.
2 દિવસ સુધી ઠંડી અને ધુમ્મસની સ્થિતિ યથાવત
ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસને લઈને ચેતવણી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે કેટલીક જગ્યાએ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 2 દિવસ સુધી ઠંડી અને ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે.
આ પણ વાંચો : ખુશ ખબર,સમૃદ્ધિ મહામાર્ગ બનીને તૈયાર, મુંબઈથી નાગપુર હવે 8 કલાકમાં કપાશે…
વિઝિબિલિટી ઘટીને 50-100 મીટર થઈ ગઈ
ઉત્તર ભારતના રાજ્યો હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના જુદા જુદા સ્થળોએ 3જી અને 4ઠ્ઠી જાન્યુઆરીએ મોડી રાત્રે/સવારના કલાકો દરમિયાન ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ ભારે ઠંડી પડી રહી છે. વિઝિબિલિટી પણ ઘણી ઓછી છે. ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઘટીને 50-100 મીટર થઈ ગઈ છે. યુપીમાં ગાઢ ધુમ્મસને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી હતી.