આમચી મુંબઈ

યારી-લોખંડવાલા બ્રિજને મળી લીલી ઝંડી

BMCને યારી રોડને લોખંડવાલાથી જોડતા બ્રિજ પ્રોજેક્ટ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. આ પુલ 0.21 હેક્ટર મેન્ગ્રોવ જંગલમાંથી પસાર થશે. નવા બ્રિજથી પીક અવર્સ દરમિયાન મુસાફરીના સમયમાં 30 મિનિટનો ઘટાડો થવાની અપેક્ષા છે. આ બ્રિજનો અંદાજિત ખર્ચ રૂ. 42 કરોડ છે. 393.2 મીટરનો આ પુલ કાવથે ક્રીકને પાર કરશે. આ બ્રિજ સિંગલ-સ્પાન સ્ટીલ કમાન તરીકે બાંધવામાં આવશે.

“પુલ મેન્ગ્રોવ્સના જંગલમાંથી પસાર થતો હોવાથી, અમને પર્યાવરણ મંત્રાલયની પરવાનગીની જરૂર હતી. તાજેતરમાં, અમને પ્રોજેક્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, જેને કારણે હવે અમે આ બ્રિજ માટેના કામને આગળ વધારી શકીએ છીએ. હવે બ્રિજના કામમાં નોંધપાત્ર રીતે વેગ આવશે. હવે અમારી પાસે કામ શરૂ કરવાની પરવાનગી છે. જો કે, અમે મેન્ગ્રોવ્સને જાળવી રાખવા માટે અને વન્યજીવોને ખલેલ પહોંચાડવાનું ટાળવા માટે સાવચેતી રાખીશું ” એમ BMCના એક અધિકારીએ જણાવ્યું હતું.

એક અહેવાલ મુજબ બ્રિજનું પ્રારંભિક આયોજન 2002માં કરવામાં આવ્યું હતું, અને BMCએ 2014માં 17 કરોડના અંદાજિત ખર્ચ સાથે પ્રોજેક્ટ માટે ટેન્ડરો આમંત્રિત કર્યા હતા, પરંતુ કાનૂની વિવાદને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો, કારણ કે ઘણા સ્થાનિક જૂથોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે આ પુલ મેન્ગ્રોવ જંગલનો નાશ કરશે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આવી બધી અરજીઓને ફગાવી દીધી હતી અને પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

આ બ્રિજને મંજૂરી મળવાથી ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN’S ASSOCIATIONના સભ્યો ઘણા જ ખુશ છે કારણ કે તેઓ લાંબા સમયથઈ આ બ્રિજ માટે રાહ જોઇ રહ્યા છે. ‘આ પુલ વર્સોવાના રહેવાસીઓ માટે મુસાફરીનો સમય ઘટાડશે અને એકવાર વર્સોવા બાંદ્રા સી લિંક ખુલ્યા પછી વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button