આમચી મુંબઈ

જૂન મહિનામાં સારો વરસાદના વર્તારાને પગલે પાણીકાપ નહીં મૂકાશે: પાલિકા

મુંબઈ-થાણેમાં મુશળધાર વરસાદ પણ જળાશયોમાં નહીંવત વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે, પણ મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં હજી સુધી નોંધપાત્ર વરસાદ પડયો નથી. હાલમાં સાતેય જળાશયોમાં કુલ ક્ષમતાના ૧૫ ટકા જેટલું પાણી છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કેચમેન્ટ એરિયામાં ટૂંક સમયમાં ચોમાસું તીવ્ર બનશે અને તેનાથી જળાશયોમાં પાણીમાં વધારો થશે. તેથી આ વર્ષે પાણીકાપની આવશ્યકતા નિર્માણ થશે નહીં.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં ચોમાસામાં વિલંબ થયો છે અને ભારે વરસાદ ઘણી વખત જુલાઈના મધ્યમાં શરૂ થાય છે. જોકે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વહેલું આવી ગયું છે અને સામાન્ય કરતા વધુ સારું રહેવાનું છે. હાલ પાણીનો જથ્થો અને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા વધારાના અનામત જથ્થાને કારણે જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હોવાથી તાત્કાલિક ધોરણે પાણીકાપની આવશ્યકતા નથી.

ગયા વર્ષે આ સમયે સાતેય જળાશયોમાં ફકત નવ ટકા પાણીનો જથ્થો હતો. જયારે આ વર્ષે પાલિકા પાસે ૫૩ દિવસનો પાણીનો જથ્થો છે. ગરમી વધવાને કારણે બાષ્પીભવનના પડકાર છતાં ચોમાસાના જલદી આગમનથી થોડી રાહત મળી હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

પાલિકાએ અગાઉ જ અપર વૈતરણા અને ભાતસા જળાશયમાંથી ૧.૮૧ લાખ મિલ્યન લિટર પાણી ખેંચવા માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવી લીધી હતી. ગયા વર્ષે મે મહિનામાં પાણીના સ્તરમાં તીવ્ર ઘટાડો થવાને કારણે પાંચ જૂન, ૨૦૨૪ની પાંચ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો હતો. જે બાદમાં જુલાઈ મહિનામાં પડેલા મુશળધાર વરસાદ બાદ પાછો ખેંચવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પાલિકા દ્વારા મુંબઈને પ્રતિદિન ૩,૯૫૦ મિલ્યન લિટર પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાંથી ૩૪ ટકા પાણી પાઈપલાઈનમાં થતા ગળતર અને ચોરીને કારણે વેડફાઈ જાય છે.

બુધવારે સવારના જળાશયોમાં ૨,૧૨,૬૪૪ મિલ્યન લિટર એટલે કે ૧૪.૬૯ ટકા પાણી હતું તેની સામે ગયા વર્ષે આ જ સમયે ૧,૨૯,૬૩૨ મિલ્યન લિટર એટલે કે ૮.૯૬ ટકા અને ૨૦૨૩ની સાલમાં ૨,૦૦,૩૪૬ મિલ્યન લિટર એટલે કે ૧૩.૮૪ ટકા પાણીનો જથ્થો હતો.

આ પણ વાંચો….પહેલા વરસાદે મહારાષ્ટ્રમાં આઠ જણના જીવ લીધા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button