આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election પછી હાલમાં BMC ની ચૂંટણી યોજવાના કોઈ આસાર નહીં, જાણો કારણ?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જોરદાર વિજય મળ્યા બાદ હવે પાલિકાની ચૂંટણીઓ વિશે ચર્ચા ચાલી રહી છે, પણ હાલમાં પાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા નથી. સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની સુનાવણી ચાલી રહી છે અને તેનો નિર્ણય આવ્યા બાદ ત્રણ મહિના પછી પાલિકાની ચૂંટણીઓ યોજાશે.

આ પણ વાંચો : ભીંડી બજારમાં બિલ્ડિંગ ધરાશાઈ

ચૂંટણી પંચના કાર્યાલયના સૂત્રોના જણાવ્યાનુસાર સુપ્રીમ કોર્ટમાં બાવીસમી જાન્યુઆરીના રોજ રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી બાબતે સુનાવણી થશે. પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના સભ્યોની સંખ્યા કેટલી, વૉર્ડની રચના કેવી હોવી, સભ્યોની સંખ્યા રાજ્ય સરકાર નક્કી કરશે કે ચૂંટણી પંચ આ બધી બાબતોનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં લેવાયા બાદ ચૂંટણીની તૈયારી માટે અંદાજે ત્રણ મહિનાનો સમય લાગશે. તેથી હાલના સમયમાં પાલિકા સહિત નગરપાલિકા, નગર પંચાયત, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ થવાની શક્યતા નથી.

પાલિકાની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવી, વૉર્ડની રચના અને ઓબીસી અનામતને અમલમાં મૂકવા વગેરે બાબતોનો વિચાર કરીએ તો ત્રણ મહિનાનો સમય પણ ઓછો પડે છે. ત્યાર બાદ માર્ચ-એપ્રિલમાં સ્કૂલ-કોલેજોમાં પરીક્ષાઓ ચાલતી હોય છે. એટલામાં ઉનાળો પૂરો થાય કે ચોમાસુ બેસી જશે. તેથી ચોમાસામાં ચૂંટણી યોજવી કે નહીં તેનો નિર્ણય ચૂંટણી પંચ લેશે. તેમ છતાં સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી પાલિકાની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો કરવાનો રહેશે.

ચૂંટણી કમિશનરની નિમણૂક પણ રખડી પડી

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક પણ રખડી પડી છે. પંચનો કારોભાર કમિશનર વગર જ શરૂ છે. તેમ છતાં હવે કમિશનરની નિમણૂક કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

રાજ્યમાં લોકપ્રતિનિધિના ૩૪,૦૦૦ પદ ખાલી

મુંબઈ, થાણે, પુણે સહિત જિલ્લા પરિષદ, નગરપાલિકા, પંચાયત સમિતિ સહિત દોઢ હજાર ગ્રામપંચાયતના ૩૪,૦૦૦ લોકપ્રતિનિધિની ચૂંટણી માટે મહાયુતિએ કમર કસી છે. છેલ્લા પાંચ વર્ષમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (એમવીએ) વચ્ચેના સંઘર્ષમાં આ ચૂંટણીઓ રખડી પડી છે. તેના અગાઉ કોરોના મહામારીને કારણે પણ ચૂંટણીઓ આગળ ધકેલાઇ હતી.

આ પણ વાંચો : એકલા ચાલો રેઃ પાલિકાની ચૂંટણીઓ શિવસેના-યુબીટી ‘એકલા હાથે’ લડવાના મૂડમાં

ખાલી પડેલી જગ્યાઓ

પાલિકાની કુલ જગ્યા-૨૭૩૬
નગરપાલિકા, નગરપંચાયતની-૭૪૯૩
જિલ્લા પરિષદના સભ્ય-૨૦૦૦
પંચાયત સમિતિના સભ્ય-૪૦૦૦
ગ્રામપંચાયત-૧૫થી ૧૬ હજાર

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button