આપણું ગુજરાતઆમચી મુંબઈ

બુલેટ ટ્રેન માટે જાણો મહત્ત્વના સમાચાર, ‘બ્લાસ્ટ’ નહીં કરાય…

બીકેસીમાં ભૂગર્ભ સ્ટેશન માટે ખોદકામને મળી ગતિ

મુંબઈ: બુલેટ ટ્રેનના બીકેસીમાં બની રહેલા ભૂગર્ભ સ્ટેશનના કામ માટે ધ્વનિ અને પ્રદૂષણ ન થાય એ માટે બ્લાસ્ટને બદલે સરફેસ માઇનર મશીનનો ઉપયોગ કરીને ખોદકામ કરવામાં આવશે. બીકેસીમાં સતત ઊડતી ધૂળને કારણે વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં નોંધાય છે. આમાં વધુ મુશ્કેલી ન થાય એ માટે નવી તરકીબ શોધવામાં આવી છે.

મુંબઈમાં બુલેટ ટ્રેનના કામને ગતિ મળી રહી હોઇ બીકેસીમાં ચાલી રહેલા સ્ટેશનના કામમાં ઉત્તરોત્તર પ્રગતિ થઇ રહી છે. બુલેટ ટે્રન માટે જમીનની નીચે 32 મીટર ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં બુલેટ ટ્રેનનાં ચાર સ્ટેશનો હોઇ એમાં બીકેસી, થાણે, વિરાર અને બોઈસરનો સમાવેશ થાય છે. આમાંનું બીકેસી સ્ટેશન ભૂગર્ભમાં બની રહ્યું છે, જ્યારે બાકીનાં ત્રણ સ્ટેશનો જમીન પર બાંધવામાં આવી રહ્યાં છે.

બીકેસીથી શરૂ થતી બુલેટ ટ્રેન શિલફાટા સુધી ભૂગર્ભમાં દોડશે, જ્યારે શિલફાટાથી થાણે સુધીનો બુલેટ ટ્રેનનો પ્રવાસ જમીન પર દોડશે. હાલની સ્થિતિમાં બ્લાસ્ટિંગ માત્ર ઘણસોલી અને વિક્રોલી ખાતે થવાનું છે. અહીં ટનલ બોરિંગ મશીન જમીનમાં ઉતારવામાં આવશે.

દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન કરી રહ્યું છે. થાણે અને પાલઘર જિલ્લામાં પ્રોજેક્ટના સ્થળે માટીના પરીક્ષણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. માટીના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોઇ પરીક્ષણને અંતે પ્રોજેક્ટમાં કયા ઠેકાણે કઇ પદ્ધતિથી બાંધકામ કરવું તેનો ખયાલ આવશે.

રાજ્યની જમીન પર કામ શરૂ

રાજ્યમાં બુલેટ ટ્રેન કોરિડોરની જમીન પર બાંધકામની શરૂઆત થઇ ગઇ છે. બીકેસીથી શિલફાટા દરમિયાન 21 કિમી ટનલ પૈકી પાણીની નીચેથી જનારી 7 કિમી લાંબી ટનલનું કામ શરૂ થઇ ગયું છે. મુંબઈ, થાણે, વાપી, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદને પ્રોજેક્ટને કારણે ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2021થી આ કામ શરૂ થઇ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button