પાલિકાના અધિકારીઓ-પોલીસ સાથે મારપીટ: પાંચ વ્યંડળ વિરુદ્ધ ગુનો…

થાણે: નવી મુંબઈ મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને પોલીસ સાથે કથિત ઝપાઝપી કરી હંગામો મચાવવા બદલ પોલીસે પાંચ વ્યંડળ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 28 જુલાઈએ બની હતી. નવી મુંબઈ મહાપાલિકાના અતિક્રમણ વિરોધી વિભાગના અધિકારીઓ રબાળે વિસ્તારમાં આવેલા એક મેદાનમાં કથિત ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા ગયા હતા. આ કામગીરી માટે પોલીસ દ્વારા સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી.
રબાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વ્યંડળોના એક જૂથ દ્વારા મેદાન પર કબજો જમાવવામાં આવ્યો હતો. પાલિકાની ટીમ પહોંચી ત્યારે પ્લૉટ પર 10થી 12 જણનું જૂથ હાજર હતું. આ જૂથે પાલિકાના અધિકારીઓ અને પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી હતી. પછી ધક્કામુક્કી અને ગાળાગાળી પર ઊતરી આવેલા જૂથે મારપીટ પણ કરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પાલિકાની કામગીરી અટકાવવા વ્યંડળોએ અશ્ર્લીલ હાવભાવ કરી વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. પોલીસે પાંચ વ્યંડળને તાબામાં લીધા હતા. પ્રાથમિક પૂછપરછ પછી તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)