MVAમાં જોડાવાની ગડકરીને ઠાકરેની ખુલ્લી ઓફર, જાણો તેમનો જવાબ
મુંબઇઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભાજપ સાથે છેડો ફાડવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે જો ગડકરીને લાગે છે કે બીજેપીમાં તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે તો તેમણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)માં જોડાઇ જવું જોઈએ. એમએમવી લોકસભામાં તેમની જીત સુનિશ્ચિત કરશે. વિપક્ષના MVAમાં શિવસેના, શરદ પવારના નેતૃત્વવાળી NCP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.
પૂર્વ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના ખાતે એક રેલીમાં બોલતા ઠાકરેએ કહ્યું હતું કે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કૃપાશંકરસિંહ જેમને ભાજપે એક સમયે ભ્રષ્ટાચારને લઈને નિશાના પર લીધા હતા તેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભગવા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં સામેલ હતું, પરંતુ ગડકરીનું નામ ગાયબ હતું. મેં બે દિવસ પહેલા ગડકરીને કહ્યું હતું અને આજે હું ફરીથી તેનું પુનરાવર્તન કરી રહ્યો છું કે જો તમારું અપમાન કરવામાં આવી રહ્યું છે તો તમે ભાજપ છોડી દો અને મહાવિકાસ આઘાડીમાં જોડાઈ જાવ અમે તમારી જીતશું સુનિશ્ચિત કરીશું અને તમને મંત્રી બનાવીશું અને તે સત્તા સાથેનું પદ હશે.
ગયા અઠવાડિયે ગડકરીને વિપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઠાકરેની ઓફરનો જવાબ આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે એક ગલીમાં રહેતો માણસ કોઈને યુએસ પ્રમુખ બનાવવાની ઓફર કરી રહ્યો છે.
ગડકરી ભાજપના અગ્રણી નેતા છે, પરંતુ પ્રથમ યાદીમાં મહારાષ્ટ્રના નામ ન હતા કારણ કે ભાજપ અને તેના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેચણીની ચર્ચાઓ પૂરી થઈ ન હતી.. દરમિયાનમાં ઠાકરેના નિવેદન જ્યારે ગડકરી પાસે પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે તેમણે ઠાકરેના સૂચનને ફગાવી દીધું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે શિવસેનાના નેતાએ ભાજપના નેતાઓની ચિંતા કરવાની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેનું સૂચન અપરિપક્વ અને હાસ્યસ્પદ છે. ભાજપમાં ઉમેદવારોને ટિકિટ આપવાની સિસ્ટમ છે.
દરમિયાન ઠાકરેએ નાગરિકતા (સુધારા) અધિનિયમ હેઠળના નિયમોની સૂચનાને “ચૂંટણીના જુમલા (સૂત્ર)” તરીકે ગણાવ્યા હતા. હિંદુ, શીખ, પારસી અને અન્ય લોકો (પડોશી દેશોમાંથી) ભારતમાં આવતા લોકોનું સ્વાગત છે, પરંતુ સૂચનાનો સમય શંકાસ્પદ હતો કારણ કે ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે, એમ ઠાકરેએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કલમ 370 નાબૂદ થયાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં કોઈ ચૂંટણી થઈ નથી અને કાશ્મીરી પંડિતો હજી કાશ્મીરમાં તેમના ઘરે પાછા ફર્યા નથી.
ઠાકરેએ કહ્યું હતું કે ભાજપે પહેલા કાશ્મીરી પંડિતોને કાશ્મીર પાછા લાવવું જોઈએ અને પછી CAA લાગુ કરવો જોઈએ. ઠાકરેએ એમ પણ જણાવ્યું હતું કે ભાજપ છે જે ધર્મો વચ્ચે દુશ્મનાવટ પેદા કરી રહી છે અને બંધારણ બદલવા માંગે છે અને બીજી તરફ ઇન્ડિયા બ્લોક છે જે દેશભક્તોનું ગઠબંધન છે. લોકસભાની આગામી ચૂંટણી ‘દેશભક્તો’ અને ‘દ્વેષભક્તો’ વચ્ચેની હશે.