નિતેશ રાણેની જીભ લપસી, ઉદ્ધવ ઠાકરે માટે કહી દીધી આવી વાત…
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં લાવાથી ધગધગતો જ્વાળામુખી બની ગયો છે. રાજકીય પક્ષોનો નેતાઓ દ્વારા આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની રમત રમાઈ રહી છે. હવે નિતેશ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે એવી વાત કહી દીધી છે કે જેને કારણે એક નવો વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે.
વર્ષોથી અમને જે વાતની શંકા હતી એ હવે વધુને વધુ ગાઢ થતી જઈ રહી છે. એટલું જ નહીં હવે તેના પર સત્તાવાર મંજૂરીની મહોર મારવાનો સમય પણ આવી ગયો છે. સાચે જ ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબના પુત્ર છે કે કેમ? કે પછી એમને મુંબઈની કોઈ કચરાપેટીમાંથી ઉંચકીને લઈને આવીને ઠાકરે અટક તેમના નામની પાછળ લગાવી દેવામાં આવી છે? તેમના વિચારો જોતા તેમની ડીએનએ ટેસ્ટ કરાવવાનો સમય આવી ગયો છે. કોઈ પણ એંગલથી તેઓ બાળાસાહેબના પુત્ર નથી લાગતા… એવા શબ્દોમાં નિતેશ રાણેએ આકરી ટીકા કરી હતી.
આગળ નિતેશ રાણેએ એવું પણ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના પ્રેમમાં પડી ગયા છે. તેમને સાંભળ્યા બાદ આવી વ્યક્તિ ક્યારેય ઠાકરે પરિવારમાં જન્મી જ ના શકે. રામ મંદિર નિર્માણ માટે હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ આખી જિંદગી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે પોતાના જીવની પણ પરવાહ કરી નહોતી. એ જ બાળાસાહેબનો દીકરો કહે છે કે ત્યાં જનારા ભક્તોની ટ્રેનમાં આગ લાગશે, તોફાનો થશે…
ઉદ્ધવ ઠાકરે બીજાના શરીર વિશે બોલે છે, પણ પોતાના શરીરનો કોઈ અત્તોપત્તો નથી. તેઓ પુરુષ છે કે સ્ત્રી છે એની પણ તપાસ થવી જોઈએ. આવી વ્યક્તિ કઈ રીતે બીજાના શરીર વિશે વાત કરી શકે? એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેમાં હિંમત હોય તો તેઓ ખુલ્લામાં આવીને વાત કરે. તમારું મોઢું બંધ કરીને તમને કાયમ માટે ઘરે ન બેસાડું તો હું મારું નામ બદલી નાખીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે હંમેશા જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે બોલતા હોય છે. જેમને ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને નેસ્તનાબુદ કરવાનો પ્રયાસ કર્યો પણ એમણે જ તેમને પ્રેમ અને વિશ્વાસ આપ્યો હતો. પણ એમને નમકહરામી કરી હતી, એવા શબ્દોમાં પણ રાણે તેમની ટીકા કરી હતી.