નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?

મુંબઈ: ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ નાગપુર હિંસાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘પોલીસ સામે હાથ ઉપાડનારાઓને અમે છોડીશું નહીં. આવી ઘટના કંઈ પહેલી વાર નથી બની. આ કેવો વિરોધ છે? શા માટે આ જેહાદીઓ હંમેશા પોલીસને નિશાન બનાવે છે? અમારી પોલીસ પર હુમલો કરનારાઓને પાકિસ્તાનમાં તેમના ‘અબ્બા’ યાદ હશે.’
આ પણ વાંચો : નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…
અહેવાલો અનુસાર નાગપુરના મહેલ વિસ્તારમાં ભડકેલી હિંસામાં 33 પોલીસ કર્મચારી અને પાંચ નાગરિકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વિસ્તારમાં સીઆરપીએફના પાંચ યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે.
નીતેશ રાણેએ વધુમાં જણાવ્યું હતું કે ‘સાચું બોલવામાં અને હિન્દુઓ પડખે ઊભા રહેવામાં કશું ખોટું નથી. સનાતન ધર્મને મારો ટેકો છે. પાઠ્યપુસ્તકમાંથી ઔરંગઝેબની હકાલપટ્ટી થવી જ જોઇએ – આ કોંગ્રેસનું પાપ છે. અગાઉ ભિવંડી અને આઝાદ મેદાનમાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો યોજાયા ત્યારે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે અમારો ‘દેવા ભાઉ’ એવી કાર્યવાહી કરશે કે આ લોકોને પાકિસ્તાનમાં તેમના ‘અબ્બા’ યાદ આવશે.’
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની ટિપ્પણીનો જવાબ આપતા નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેને આક્ષેપો કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.’ આદિત્ય ઠાકરેએ અગાઉ આરોપ કર્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રને મણિપુરમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
રાણેએ નાગપુરમાં થયેલી હિંસા માટે સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આઝમીને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ પૂર્વઆયોજિત હિંસા છે. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ‘આના માટે અબુ આઝમી જવાબદાર છે. તેમણે આ મુદ્દાની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : ‘સરકાર પોતાનું કામ કરશે, તમે તમારું કરો’: ઔરંગઝેબની કબર તોડવાની હાકલ વચ્ચે નિતેશ રાણેની હિન્દુત્વવાદી સંગઠનોને હાકલ
સરકારને બદનામ કરવા માટે આ એક પૂર્વઆયોજિત હિંસા હતી. જેમણે અમારા પોલીસ કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો છે તેમને અમે છોડીશું નહીં. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.’ સમાજવાદી પક્ષના વિધાન સભ્યએ અહેવાલ આપ્યો હતો કે મોગલ જુલમી ઔરંગઝેબ “ક્રૂર વહીવટકર્તા” ન હતો અને તેણે “ઘણા મંદિરો બનાવ્યા હતા.”