આમચી મુંબઈમહારાષ્ટ્ર

ન ભૂતો, ન ભવિષ્યતી..! ભાઈઓની બે જોડી વિધાનસભામાં દેખાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આ વર્ષની એસેમ્બલી ખૂબ જ ખાસ રહી છે. સગા ભાઈઓની બે જોડી વિધાનસભામાં પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. કોંકણના રાણે ભાઈઓ અને સામંત ભાઈઓએ આ અનેરી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. બીજો યોગાનુયોગ એ છે કે ચારેયના મતવિસ્તાર એકબીજાને લાગીને આવેલા છે. માત્ર નજીકના ભવિષ્યમાં જ નહીં પરંતુ આવનારા ઘણા વર્ષો સુધી આવો રેકોર્ડ તોડવો કોઈના માટે શક્ય નહીં બને.

આ પણ વાંચો : ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ?ભાજપના સૂત્રોનો દાવો…

શિવસેના તરફથી, ઉદય સામંત રત્નાગીરી મતવિસ્તારમાંથી ચૂંટાયા છે, કિરણ સામંત રાજાપુર મતવિસ્તારમાંથી તેમની બાજુના મતદારસંઘમાં છે. ભાજપમાંથી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે કણકવલી અને શિવસેનામાંથી નિલેશ રાણે ચૂંટાયા છે કારણ કે કુડાળ-માલવણ બેઠક શિવસેના પાસે હતી. આ ચારેય મતદારક્ષેત્રો એકબીજાને લાગીને આવેલા છે. આ ચાર પૈકી કોના ગળામાં પ્રધાનપદનો હાર આવશે તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ભાજપ, શિવસેના અને એનસીપીને પ્રધાનપદની ફાળવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. આ વહેંચણીમાં ભાજપને 22, શિવસેનાને 13 અને એનસીપીને 12 ખાતા ફાળવવામાં આવશે તેવું માનવામાં આવે છે. આગામી દિવસોમાં આ ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, શિંદે જૂથમાંથી સાવંતવાડીના વિધાનસભ્ય દીપક કેસરકર પ્રધાનપદના પ્રબળ દાવેદાર મનાય છે. જેના કારણે સિંધુદુર્ગ અને રત્નાગીરીવાસીઓનું પણ ધ્યાન આ ચારેય ભાઈઓમાંથી કોને પ્રધાનપદ મળશે તે તરફ લાગ્યું છે.

ત્રીજી વખત વિધાનસભ્ય બનેલા નિતેશ રાણે પણ પ્રધાનપદની હરીફાઈમાં છે. તેઓ ભાજપના હોવાથી તેમને ભાજપના ક્વોટામાંથી પ્રધાનપદ મળે તેવી શક્યતા છે. રત્નાગીરીના વિધાનસભ્ય ઉદય સામંત શિવસેના તરફથી પ્રધાન હતા અને અત્યારે પણ પ્રધાનપદના દાવેદાર મનાય છે. નારાયણ રાણેને હરાવનાર વૈભવ નાઈકને માત આપીને નિલેશ રાણે પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા છે. આ પહેલા તેઓ કોંગ્રેસના સાંસદ હતા. પ્રથમ ટર્મ હોવાથી નિલેશ રાણેને બદલે નિતેશ રાણેને પ્રધાનપદ મળે તેવી શક્યતા છે. તેમજ સામંત ભાઈઓ વચ્ચે પણ ખેંચતાણ થવાની શક્યતા છે.

ઉદય સામંતના ભાઈ કિરણ સામંત પણ પ્રથમ વખત વિધાનસભ્ય બન્યા છે. ઉદય સામંત ઠાકરે અને શિંદે બંનેની સરકારમાં પ્રધાનપદ સંભાળી ચુક્યા છે. જેના કારણે સામંત ભાઈઓમાં પણ નાનાને પ્રધાનપદ મળે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. નિલેશ રાણે મોટા છે અને નિતેશ રાણે નાના છે. સામંત ભાઈઓમાં કિરણ સામંત મોટા છે અને ઉદય સામંત નાના છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 11 કે 12 ડિસેમ્બરે

જો કેસરકર, રાણે અને સામંતને કોંકણ પટ્ટામાં પ્રધાનપદ મળે તો કોંકણમાં સત્તાધારી પાર્ટીનો દબદબો થવાની સંભાવના છે. આ કારણે શિવસેના અને ભાજપે ચિપલુણથી રાયગઢ સુધી પ્રધાનદ આપીને સંતુલન સાધવું પડશે. એનસીપીના અદિતિ તટકરે આ પ્રદેશમાંથી મહાયુતિના પ્રધાન બને તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button