
મુંબઇઃ છેલ્લા ઘણા સમયથી સંજય રાઉત મહારાષ્ટ્રની શિંદે સરકારને ગેરકાયદેસર ગણાવીને પ્રહારો કરી રહ્યા છે અને ઘણી વખત તેઓ સરકાર પડવાની તારીખો જાહેર કરી ચૂક્યા છે, પરંતુ હવે આ મુદ્દે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બીજેપી વિધાનસભ્ય નીતીશ રાણેએ એમ કહીને પ્રહાર કર્યા છે કે આ તેમનું જ કામ છે. આ સાથે તેણે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં સંજય રાઉત અને આદિત્ય ઠાકરે જેલમાં હશે.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ભાજપના વિધાન સભ્ય નીતિશ રાણેએ દાવો કર્યો છે કે 31 ડિસેમ્બર પછી આદિત્ય ઠાકરે અને સંજય રાઉત આર્થર રોડ જેલમાં જોવા મળશે. નીતિશ રાણેએ સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પર એમ કહીને પ્રહાર કર્યા છે કે તેઓ મહારાષ્ટ્ર સરકારને વડાપાવનું વાહન માને છે. નીતિશ રાણેએ કહ્યું છે કે બંને નેતાઓ છેલ્લા ઘણા મહિનાઓથી એક જ વાત કહી રહ્યા છે કે સરકાર ચોક્કસ તારીખે પડી જશે. પરંતુ હું કહું છું કે 31 ડિસેમ્બર પછી બંને જેલમાં હશે.
બીજી તરફ, શિવસેના ઉદ્ધવ જૂથના નેતાઓ આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર 31 ડિસેમ્બર પછી પડી જશે. આ નિવેદનનો પલટવાર કરતાં નીતિશ રાણેએ કહ્યું કે આ નેતાઓએ અમારી પાર્ટીની સરકાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કર્યું છે. તેઓ વારંવાર કહેતા રહ્યા છે કે સરકાર ચોક્કસ તારીખે પડી જશે. હવે તેઓએ ફરી એકવાર નવી તારીખની જાહેરાત કરી છે.
આ સાથે નીતિશ રાણેએ દત્તા દલવીનો મુદ્દો પણ જોર જોરથી ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મુંબઈના પૂર્વ મેયર દત્તા દલવીની કાર પર થયેલા હુમલામાં પણ સંજય રાઉતનો હાથ હતો. તેમણે દાવો કર્યો હતો કે જે દત્તા દલવી માટે આજે રાઉતનો પ્રેમ છલકાઈ રહ્યો છે, તેઓ એકવાર અમને મળવા આવ્યા હતા.
નીતિશ રાણેનો દાવો છે કે દત્તા દલવી તેમને મળ્યા હતા અને કહ્યું હતું કે સંજય રાઉતના કારણે શિવસેના ખતમ થઈ ગઈ છે. તેમના કહેવા મુજબ દત્તા દળવીએ ભાજપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એમ કહીને નિશાન સાધ્યું કે હવે ઉદ્ધવ ઠાકરેનું નાટક નહીં ચાલે, નવા વર્ષમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત જેલમાં હશે.