શિવસેના (યુબીટી)ને વધુ એક ઝટકો, ભૂતપૂર્વ વિધાનસભ્ય નિર્મલા ગાવિત શિંદે સેનામાં જોડાયા…

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ને વધુ એક ઝટકો લાગ્યો છે. નાસિકના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નિર્મલા ગાવિત બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ ગયા હતા. શિંદેની હાજરીમાં થાણેમાં પક્ષપ્રવેશ સમારોહ યોજાયો હતો. ગાવિત સાથે નાસિક જિલ્લાની 1,500થી વધુ મહિલા પાર્ટી કાર્યકરો પણ હતી, જેઓ મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધનનો ભાગ શિંદે સેનામાં જોડાઈ ગઈ હતી.

રાજ્યની તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને અનેક જિલ્લા પરિષદોમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓને કારણે આ પક્ષપ્રવેશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમારા નેતા બદલાયા છે, પરંતુ પાર્ટી શિવસેના એ જ રહે છે,’ એમ ગાવિતે પાર્ટીમાં જોડાયા પછી કહ્યું હતું. શિંદેએ નવા સભ્યોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, ‘આ ફક્ત પાર્ટીમાં જોડાવાનો સમારોહ નથી, આ એક ઘર વાપસી છે.

‘આજનો કાર્યક્રમ ધર્મવીર આનંદ દિઘેની ભૂમિ થાણેમાં યોજાઈ રહ્યો છે. તેમના ઉપદેશો અને બાળાસાહેબ ઠાકરેનો વારસો આપણને માર્ગદર્શન આપે છે. સત્તા અને હોદ્દા કામચલાઉ છે, પરંતુ એકવાર નામ ખોવાઈ જાય પછી તે પાછું મેળવવું મુશ્કેલ છે. અમે તે વારસાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ,’ એમ પણ શિંદેએ કહ્યું હતું.