આમચી મુંબઈ

મુંબઈની BMC સ્કૂલોમાં રાત્રિ વર્ગો શરૂ

મુંબઇઃ નાઇટ સ્કૂલ એટલે કે રાત્રિ વર્ગોનો કન્સેપ્ટ મુંબઇમાં કંઇ નવો નથી, પણ કેટલાક વખતથી મુંબઇની મ્યુ. શાળાઓમાં રાત્રિ વર્ગો બંધ થઇ ગયા છે. મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાળા શિક્ષણ વિભાગને બૃહન્દુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાની ઈમારતોમાં સાંજના સમયે રાત્રિના વર્ગો શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બીએમસીના શિક્ષણ વિભાગ દ્વારા તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત અંધેરી પૂર્વના કોલ ડોંગરી વિસ્તારમાં આવેલી નિત્યાનંદ માર્ગ પબ્લિક સ્કૂલમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય યોજના હેઠળ રાત્રિના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

મુંબઇના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ નિત્યાનંદ માર્ગ પબ્લિક સ્કૂલમાં રાત્રિ વર્ગોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મુંબઇ શહેરમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે જગ્યા કે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી, તેથી તેઓ ભણી નથી શકતા. તેથી જ મુંબઇમાં શિક્ષણ માટે રાત્રિ વર્ગોની તાતી જરૂરિયાત હતી.


તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું 350મું વર્ષ છે. એ પ્રસંગની ઉજવણી કરવા શહેરમાં ટૂંક સમયમાં 350 રાત્રિ વર્ગો શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે. મુંબઇની તમામ સરકારી શાળાઓમાં તબક્કાવાર રાત્રિ વર્ગો શરૂ કરવામાં આવશે, જેનાથી લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.


મ્યુ. શાળાઓ તેમ જ તે વિસ્તારની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ આ વર્ગમાં પ્રવેશ લઇ શકશે. સાંજે 6થી 8 કલાક દરમિયાન આ વર્ગ ચલાવવામાં આવશે. મ્યુ. શાળાઓમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આ વર્ગો શરૂ થશે, જેમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગ હશે. વર્ગમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓના સંમતિ પત્ર આપવા પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button