ડ્રગ સિન્ડિકેટ ચલાવતા નાઇજીરિયનની ગ્રેટર નોએડાથી ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાથી નાઇજીરિયનની ધરપકડ કરી હતી. આરોપી ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો મુખ્ય સભ્ય હોઇ તે ડ્રગ કાર્ટેલ ચલાવતો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
ડીઆરઆઇના મુંબઇ યુનિટે 14 ઑક્ટોબરે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.4 કિલો કોકેઇન જપ્ત કરીને કાર્ટેલના બે સભ્યની ધરપકડ કરી હતી.
બંને આરોપીની પૂછપરછમાં નાઇજીરિયનનું નામ સામે આવ્યું હતું, જે ગ્રેટર નોએડાથી આ કાર્ટેલ ચલાવતો હતો અને ફાઇનાન્સ પણ કરતો હતો.
ડીઆરઆઇની ટીમે નાઇજીરિયનની શોધ આદરી હતી અને તાજેતરમાં તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વિવિધ દેશો દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ સહિત સિમ કાર્ડ તથા મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા. આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને મુંબઈ લાવવામં આવ્યો હતો અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)