એનઆઈએની મોટી કાર્યવાહીઃ જાસૂસી કેસમાં ફરાર આરોપીને મુંબઈમાંથી ઝડપ્યો

મુંબઈ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ મુંબઈમાં સોમવારે બે સ્થળે રેઇડ પાડીને વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. એનઆઇએએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસમાં પાકિસ્તાની જાસૂસી નેટવર્ક દ્વારા સંરક્ષણ ખાતા સંબંધિત વર્ગીકૃત માહિતી લીક કરવામાં આવી હતી.
મુંબઈથી અમાન સલીમ શેખની ધરપકડ કરવા સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે ત્રણ પર પહોંચી છે. એનઆઇએ દ્વારા બે ફરાર પાકિસ્તાની હસ્તક સહિત ચાર જણ વિરુદ્ધ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં ફરાર આરોપીની શોધ ચલાવી રહેલી એનઆઇએએ સોમવારે મુંબઈમાં બે સ્થળે તથા આસામના નાગાંવ જિલ્લામાં અન્ય સ્થળે રેઇડ પાડી હતી. રેકેટમાં સામેલ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સિમકાર્ડને એક્ટિવેટ કરવામાં શેખ સંડોવાયેલો હતો.
આંધ્ર પ્રદેશના કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ભારતીય દંડસંહિતા, યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીસ (પ્રિવેન્શન) એક્ટ) અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આ રેકેટ પ્રકાશમાં આવ્યું હતું. આ કેસની તપાસ બાદમાં એનઆઇએએને સોંપાઇ હતી.
સોમવારે શેખની જે સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી ત્યાંથી એનઆઇએની ટીમે બે મોબાઇલ, જ્યારે અન્ય સ્થળોએથી બીજા બે મોબાઇલ તથા ઘણા સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું હતું કે ખાન તથા અન્ય પકડાયેલો આરોપી આકાશ સોલંકી જાસૂસી મોડ્યુલનો ભાગ હતા અને ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સુધી પહોંચાડી રહ્યા હતા.