સેલ્ફ રિડેવલપમેન્ટ માટે રિફાઈનાન્સ આપવાનો નેશનલ હાઉસિંગ બેંકનો ઈનકાર: ૬૩ હાઉસિંગ સોસાયટીના પ્રસ્તાવ રખડી પડશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેલ્ફ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે લોનની માગણી કરનારી ૬૩ કૉપરેટીવ હાઉસિંગ સોસાયટીની અરજી પર મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કૉ-ઓપરેટીવ બેંક (મુંબઈ બેંક)ને આવશ્યક પુનર્ધિરાણ (રિ-ફાઈનાન્સ) આપવા માટે નેશનલ હાઉસિંગ બેંકે અસમર્થતા દર્શાવી છે.
આ બાબતનો પ્રસ્તાવ કેન્દ્રીય નાણા મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો પણ તેમણે આ પ્રસ્તાવ પર હાલમાં વિચાર કરવામાં આવશે નહીં, પણ ભવિષ્યમાં ફેર-વિચાર કરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ કરી છે. તેથી સેલ્ફ હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે લોન આપવા બેંકે હવે અન્ય પર્યાયનો વિચાર કરવો પડવાનો છે.
મુંબઈ બેંક પાસે અત્યાર સુધી ૧,૬૦૦થી વધુ કૉપોરેટીવ હાઉસિંગ સોસાયટીઓએ સેલ્ફ રિડેવલપમેન્ટ માટે સંપર્ક સાધ્યો છે. તેમાંથી ૬૩ સહકારી સંસ્થાએ ૩,૩૪૮ કરોડ રૂપિયાના લોનની માગણી કરી છે. આ સંસ્થાએ જાતે ૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સંસ્થાને લોન નહીં મળી તો પ્રોજેક્ટ રખડી પડશે. નેશનલ હાઉસિંગ બેંક હાઉસિંગ સોસાયટીઓનેે લોન આપતી ન હોવાને કારણે હવે આ સંસ્થાએ મુંબઈ બેેંક પર મદાર રાખ્યો છે.
મુંબઈ બેંકે તે માટે હવે સ્ટેટ કૉ-ઓપરેટીવ બેન્ક પાસે હાથ પહોળા કર્યા છે પણ તેમણે લોન સામે સિક્યોરિટી માગી હોઈ સંબંધિત સંસ્થાના પ્લોટ અને વેચાણ કરવાના ઘરને સિક્યોરિટી તરીકે રાખવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જોકે હજી સુધી રાજ્યની કૉપરેટીવ બેન્ક પાસેથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
રાજ્ય સરકારે સેલ્ફ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપીને સ્વતંત્ર ઓથોરિટીની સ્થાપના કરી છે. આ ઓથોરિટીના અધ્યક્ષ પદે મુંબઈ બેંકના અધ્યક્ષ અને વિધાનસભ્ય પ્રવીણ દરેકરની નિમણૂક કરવામાં આવી છે. જોકે હજી સુધી આ ઓથોરિટીને કોઈ અધિકારી આપવામાં આવ્યા હતા. હાલ મંબઈમાં સેલ્ફ રિડેવલપમેન્ટનું ચલણ વધી રહ્યું છે. મુંબઈ બેંકે અત્યાર સુધી આવા ૧૭ પ્રોજેક્ટને ૩૫૧ કરોડ રૂપિયાની લોન આપી છે, તેમાંથી સાત પ્રોજેક્ટ પૂરા થયા છે.
સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અમુક હાઉસિંગ સોસાયટીઓએ પોતાનું ભંડોળ ઊભું કર્યું છે અને કેન્દ્ર સરકારના સ્વામીહ (સ્પેશિયલ વિન્ડો ફોર અફોર્ડેબલ એન્ડ મિડ ઈન્કમ હાઉસિંગ) ફંડમાંથી પણ ભંડોળ તે માટે પ્રયાસ કરી રહ્યા છે પણ સ્વામીહ ભંડોળ ફક્ત રખડી પડેલા પ્રોજેક્ટ માટે હોવાથી સેલ્ફ રિડેવલપમેન્ટ કરનારી હાઉસિંગ સોસાયટીને તકલીફ થઈ શકે છે.
હાઉસિંગ સોસાયટીને થઈ રહેલી અડચણને ધ્યાનમાં રાખીને મુંબઈ બેંક આગળ આવી છે. નેશનલ હાઉસિંગ બેંક પાસેથી રિફાઈનાન્સ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. રિઝર્વ બેંકના ૧૩ ઑગસ્ટ, ૨૦૦૯માં સર્ક્યુલર મુજબ નેશનલ હાઉસિંગ બેંક એ ડિસ્ટ્રિક્ટ બેંકને રિફાઈન્સ કરી શકે છે. તેથી મુંબઈ બેંકે અરજી કરી હતી પણ નેશનલ હાઉસિંગ બેંકે તેમને અપાત્ર જાહેર કર્યા છે.
તેથી મે, ૨૦૨૪માં તેમણે ફરી માગણી કરી હતી. તે વખતે પણ માગણીને ફગાવી દેવામાં આવી હતી. હવે જોકે પાત્રતા બાબતે નાણા વિભાગ સાથે જ પત્રવ્યવહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે નાણા વિભાગે હાલ પૂરતો ઈનકાર કરીને ભવિષ્યમાં વિચાર કરવાનું આશ્ર્વાસન આપ્યું હોવાનું સેલ્ફ રિડેવલમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષે જણાવ્યું હતું.



